તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
શિર્ડી એરપોર્ટ પર તાજ ગ્રૂપ દ્વારા નિર્માણ પામશે ભવ્ય ફાઇવ સ્ટાર હોટેલ: સાઈભક્તોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની અને ટાટા ગ્રૂપ વચ્ચે હસ્તાક્ષર થતાં શિર્ડીના ધાર્મિક પ્રવાસનને મળશે નવું પ્રોત્સાહન.

મુંબઈ : વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન શિર્ડી ખાતે આવતા દેશ-વિદેશના લાખો સાઈભક્તોને અત્યાધુનિક અને વૈભવી મહેમાનગતિ પૂરી પાડવાના હેતુથી એરપોર્ટ પરિસરમાં તાજ ગ્રૂપ દ્વારા એક અત્યાધુનિક ફાઇવ સ્ટાર હોટેલનું નિર્માણ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની અને ટાટા ગ્રૂપની અગ્રણી કંપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ વચ્ચે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વિશેષ ઉપસ્થિતિમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
શિર્ડી એરપોર્ટ શરૂ થયા બાદ હવાઈ માર્ગે આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એરપોર્ટની નજીક જ ઉચ્ચ કક્ષાની રહેવાની અને ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ હોટેલના નિર્માણથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મોટી રાહત મળશે તેમજ આ પ્રોજેક્ટના માધ્યમથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળવાની સાથે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
આ કાર્યક્રમ દરમિયાન વનમંત્રી ગણેશ નાઈક, રાજ્યમંત્રી આશિષ જયસ્વાલ, ઉચ્ચ અધિકારીઓ તથા તાજ ગ્રૂપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યપ્રધાને એરપોર્ટના વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને વિશેષ સૂચનાઓ આપી હતી.
આગામી સમયમાં આ ફાઇવ સ્ટાર હોટેલ શરૂ થવાથી શિર્ડીના પ્રવાસન અને આતિથ્ય ઉદ્યોગને અભૂતપૂર્વ વેગ મળશે તેમજ સ્થાનિક અર્થતંત્ર અને વેપારી ગતિવિધિઓ વધુ મજબૂત બનશે તેવી પૂરી સંભાવના છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
