તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
હોસ્પિટલમાં મહિલા ડોક્ટરો પર હુમલો કરનાર શિવસેના નગરસેવક રમેશ મ્હાત્રે અને સાથીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થાણે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ
બોમ્બે હાઈકોર્ટના જામીન રદ થતાં શિવસેના નેતા સહિત ચાર આરોપીઓને કલ્યાણની આધારવાડી જેલમાં મોકલાયા: સર્વોચ્ચ અદાલતે હિંસા સામે લાલ આંખ કરી આપી કડક આદેશ

થાણે : મહારાષ્ટ્રના થાણે જિલ્લા હેઠળ આવતા ડોંબિવલીની મ્યુનિસિપલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો પર હુમલો કરવાના ચર્ચિત કેસમાં મુખ્ય આરોપી શિવસેના નગરસેવક રમેશ મ્હાત્રે અને તેના ત્રણ સાથીઓએ સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ આખરે થાણેની ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીન રદ કરીને આરોપીઓને પાંચમી ઓક્ટોબર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો, જે અંતર્ગત આરોપીઓએ કોર્ટ સમક્ષ સમર્પણ કરતા અદાલતે તમામ ચારેય આરોપીઓને કલ્યાણની આધારવાડી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
આ સનસનાટીભરી ઘટનાની વિગત મુજબ, ગત ૬ જુલાઈના રોજ ડોંબિવલી સ્થિત શાસ્ત્રી નગર મ્યુનિસિપલ હોસ્પિટલના લેબર વોર્ડમાં એક સગર્ભા મહિલાની સારવારમાં વિલંબ થયો હોવાનો કથિત આરોપ લગાવીને બબાલ શરૂ થઈ હતી. આ બોલાચાલી બાદ શિવસેના નગરસેવક રમેશ મ્હાત્રે અને તેના સમર્થકો રમેશ પવાર, પ્રમોદ ઉર્ફે પ્રકાશ નિકમ અને અક્ષય કારન્ડે હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. તેમણે ડ્યૂટી પર તૈનાત મહિલા ડોક્ટર સહિત ચાર તબીબો સાથે ગાળાગાળી કરીને તેમની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી, જેના કારણે સમગ્ર તબીબી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની ડિવિઝન બેન્ચે નીચલી અદાલતોના વલણ સામે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે નીચલી કોર્ટો મુખ્ય આરોપી રમેશ મ્હાત્રેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી હતી. મ્હાત્રે સામે ભૂતકાળમાં હત્યા (IPC કલમ ૩૨૦) અને હત્યાના પ્રયાસ (IPC કલમ ૩૦૭) જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ ૧૮ જેટલા ફોજદારી કેસો નોંધાયેલા છે, જે બાબત તેની સામેના આરોપોની ગંભીરતા દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટે હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરોની સુરક્ષા અંગે અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કરતા સ્પષ્ટ કર્યું હતું કે શારીરિક હિંસા, ધમકી કે સતત ભયના વાતાવરણ હેઠળ કામ કરતી વખતે કોઈ પણ ડોક્ટર પાસેથી સચોટ, યોગ્ય અને સ્વતંત્ર તબીબી નિર્ણય લેવાની અપેક્ષા રાખી શકાય નહીં. ડોક્ટરો પર થતા આવા હુમલાઓ દર્દીઓની સારવાર અને સમગ્ર આરોગ્ય સેવાઓ પર વિપરીત અસર પાડે છે, તેથી આવા ગુનાઓમાં સંચાલકો કે રાજકીય પહોંચ ધરાવતા લોકોને આસાનીથી જામીન આપી શકાય નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ પ્રકરણમાં સામેલ અન્ય એક મહિલા આરોપી સાધના કારન્ડેની જામીન અરજી અગાઉ કલ્યાણ કોર્ટે ફગાવી દીધી હતી અને તે હાલ જુડિશિયલ કસ્ટડી હેઠળ આધારવાડી જેલમાં બંધ છે. મુખ્ય આરોપી સહિત ચારેય જણાએ આત્મસમર્પણ કરતા હવે આ કેસના તમામ પાંચેય મુખ્ય આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, જેનાથી તબીબી ક્ષેત્રના કર્મચારીઓ અને ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલમાં તમામ આરોપીઓ જેલ હવાલે હોવાથી પોલીસ દ્વારા આ કેસમાં ઝડપી ચાર્જશીટ રજૂ કરીને સ્પીડી ટ્રાયલ ચલાવવાની દિશામાં કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ પર થતા હુમલા સામે કડક દાખલો બેસાડવા માટે સરકારી પક્ષ દ્વારા કોર્ટમાં મજબૂત પુરાવાઓ રજૂ કરવામાં આવશે. આ કેસના કારણે રાજ્યભરમાં હોસ્પિટલોમાં તબીબોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જાગી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
