<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

શિવસેનાનો આવતીકાલે સ્‍થાપના દિવસઃ ૬૦ વર્ષની સફરના ઉતાર ચઢાવની ઝલક

પક્ષની સ્‍થાપનાનો હેતુ હતો મરાઠી માનુષના હિતની રક્ષા અને રોજગાર માં મરાઠીઓને પ્રાથમિકતાઃ ૧૯૮૦ પછી શિવસેનાએ પોતાની વિચારધારામાં હિંદુત્‍વને પ્રાધાન્‍ય, ૧૯૯૫માં પ્રથમ વખત સત્તામાં આવી શિવસેના :બાલાસાહેબ ઠાકરે આશરે ૪૬ વર્ષ અને ૫ મહિના સુધી શિવસેનાના સર્વોચ્‍ચ નેતા રહ્યા હતા,૨૦૧૨માં બાલાસાહેબના અવસાન બાદ ઉદ્ધવ ઠાકરે પક્ષ પ્રમુખ બન્‍યા , જુન ૨૦૨૨માં પક્ષમાં ઐતિહાસિક વિભાજન, ઉદ્ધવ ઠાકરે આશરે ૯ વર્ષ અને ૭ મહીના શિવસેનાના પક્ષ પ્રમુખ રહ્યા, ઉદ્ધવ ઠાકરેની ઉપલબ્‍ધિઓ, જુન ૨૦૨૬ માં ઓપરેશન ટાઇગરએ શિવસેનાની કમર તોડી શિવસેનાના વિભાજન માટે કોણ જવાબદાર...?? ઉદ્ધવ ઠાકરેની નીતિ કે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ શિવસેનાનો આવતીકાલે સ્‍થાપના દિવસ છે મરાઠી લોકોના હક્ક માટે સ્‍થાપેલ આ પક્ષને આવતીકાલે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આવો આપણે આ વેળા એ શિવસેના પક્ષ ની  સ્‍થાપના થી અત્‍યાર સુધીની યાત્રા ને જોઈએ તો, શિવસેના મહારાષ્ટ્ર ના સૌથી પ્રભાવશાળી રાજકીય પક્ષો માં નો એક છે, તેની સ્‍થાપના ૧૯ મી જૂન, ૧૯૬૬ ના રોજ કાર્ટૂનિસ્‍ટ અને પ્રખર વક્‍તા બાલ ઠાકરે  દ્વારા મુંબઈમાં કરવામાં આવી હતી, પક્ષની સ્‍થાપનાનો મુખ્‍ય ઉદ્દેશ મહારાષ્ટ્રના મરાઠી ભાષી લોકોના હિતોનું રક્ષણ કરવો અને તેમને રોજગાર તથા સામાજિક ક્ષેત્રોમાં પ્રાથમિકતા અપાવવાનો હતો.

૧૯૬૦ના દાયકામાં મુંબઈમાં દક્ષિણ ભારત અને અન્‍ય રાજ્‍યોમાં થી મોટી સંખ્‍યામાં લોકો રોજગાર માટે આવતા હતા, બાલાસાહેબ ઠાકરેનું માનવું હતું કે સ્‍થાનિક મરાઠી યુવાનો ને નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્‍વ મળતું નથી, આથી તેમણે મરાઠી માનૂસના હિતોની રક્ષા માટે શિવસેનાની સ્‍થાપના કરી.

વર્ષ ૧૯૬૬ થી ૧૯૮૦  દરમ્‍યાન પક્ષ પ્રાદેશિક સંગઠન થી રાજકીય પક્ષ સુધી પહોંચ્‍યો, શરૂઆતમાં શિવસેના એક સામાજિક અને પ્રાદેશિક આંદોલન તરીકે કાર્યરત હતી. ધીમે ધીમે તે મજૂર સંગઠનો, મહાનગરપાલિકાઓ અને સ્‍થાનિક ચૂંટણીઓમાં સક્રિય બની ,  આ સમયગાળામાં બાલાસાહેબ ઠાકરેના પ્રભાવ અને પ્રખર ભાષણોએ પક્ષને લોકપ્રિયતા અપાવી.

આગળ જતાં એટલે કે વર્ષ ૧૯૮૦ થી ૧૯૯૦ ના સમય દરમ્‍યાન પક્ષ નો હિન્‍દુત્‍વ તરફ વળાંક જોવા મળ્‍યો,૧૯૮૦ ના દાયકા માં શિવસેના એ પોતાની વિચારધારામાં હિન્‍દુત્‍વ ને પણ મુખ્‍ય સ્‍થાન આપ્‍યું , આ સમયગાળા દરમિયાન પક્ષે ભારતીય જનતા પાર્ટી  સાથે રાજકીય ગઠબંધન કર્યું , રામ જન્‍મભૂમિ આંદોલન દરમિયાન બંને પક્ષો નજીક આવ્‍યા અને મહારાષ્ટ્રમાં તેમનો આધાર વધ્‍યો.

૧૯૯૫માં ભાજપ-શિવસેના ગઠબંધને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી અને પ્રથમ વખત રાજ્‍યમાં સરકાર બનાવી, મનોહર જોશી  રાજ્‍ય ના મુખ્‍યમંત્રી બન્‍યા, બાદ માં નારાયણ રાણે પણ શિવસેના ના મુખ્‍યમંત્રી બન્‍યા, આ સમયગાળામાં બોમ્‍બેનું નામ બદલીને મુંબઈ કરવામાં આવ્‍યું.

વર્ષ ૨૦૦૦ પછી પક્ષમાં ઉદ્ધવ ઠાકરે નો પ્રભાવ વધ્‍યો,  ૩૦ જાન્‍યુઆરી ૨૦૦૩ના રોજ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના કાર્યકારી અધ્‍યક્ષ બન્‍યા, જેને પગલે ઠાકરે પરીવાર માં મતભેદો ઊભા થયા, આખરે ૨૭મી નવેમ્‍બર ૨૦૦૫ના રોજ રાજ ઠાકરે એ શિવસેના માં થી રાજીનામું આપ્‍યું હતું, પક્ષની અંદર નેતૃત્‍વ અને નિર્ણય પ્રક્રિયાને લઈને મતભેદોને કારણે તેમણે નવો પક્ષ રચવાનો નિર્ણય લીધો અને ૯મી માર્ચ ૨૦૦૬ ના રોજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની સ્‍થાપના કરી શિવસેનાથી અલગ થયા.

આપણે જો બાલાસાહેબ ઠાકરેની વાત કરીએ તો તેમણે  પોતાના કરિશ્‍માઈ નેતૃત્‍વ અને સંગઠન શક્‍તિના કારણે લગભગ ૪૬ વર્ષ ( ૧૯૬૬ થી ૨૦૧૨) સુધી શિવસેના નું નેતૃત્‍વ કર્યું, જે ભારતીય રાજકારણમાં એક અનોખો રેકોર્ડ માનવામાં આવે છે , બાલાસાહેબ ઠાકરે પોતે ક્‍યારેય ચૂંટણી લડ્‍યા ન હતા, છતાં તેઓ મહારાષ્ટ્રના રાજકારણના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક ગણાય છે, બાલ ઠાકરે નુ ૧૭ નવેમ્‍બર ૨૦૧૨ ના રોજ તેમના નિવાસસ્‍થાન માતોશ્રી, બાંદ્રા (મુંબઈ) ખાતે અવસાન થયુ હતુ,તેમના અવસાનના સમાચાર થી સમગ્ર મહારાષ્ટ્ર માં શોકની લાગણી ફેલાઈ હતી.

૧૮ નવેમ્‍બર ૨૦૧૨ના રોજ મુંબઈના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્‍માન સાથે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા, તેમના અંતિમ દર્શન માટે લાખો લોકો ઉમટી પડ્‍યા હતા, જે મુંબઈના ઇતિહાસમાં સૌથી મોટા જાહેર શોક સમારંભો માં નો એક માનવામાં આવે છે.

તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે એ મુખાગ્નિ આપી હતી, બાલા સાહેબ ઠાકરે ના અવસાન બાદ ઉદ્ધવ ઠાકરે એ પક્ષનું નેતૃત્‍વ સંભાળ્‍યું, ૨૦૧૩માં સત્તાવાર રીતે શિવસેનાના પક્ષપ્રમુખ બન્‍યા.

હવે ઉદ્ધવ ઠાકરે પક્ષના સર્વે સર્વા હતા વર્ષ ૨૦૧૪ ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી, પરંતુ બાદમાં ફરી સરકારમાં સાથે આવ્‍યા , જોકે બંને પક્ષો વચ્‍ચે મતભેદો વધતા રહ્યા, ૨૦૧૯ ની વિધાનસભા ચૂંટણી બાદ મુખ્‍યમંત્રી પદના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્‍ચે વિવાદ સર્જાયો, ત્‍યારબાદ ઉદ્ધવ ઠાકરે એ  નેશનલ કોંગ્રેસ પાર્ટી અને ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ  સાથે મળીને મહાવિકાસ અઘાડી સરકાર બનાવી અને પોતે મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી બન્‍યા, કોરોના મહામારી દરમિયાન તેમણે રાજ્‍યનું નેતૃત્‍વ કર્યું હતું અને સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઈ કોસ્‍ટલ રોડ તથા મેટ્રો જેવા અનેક વિકાસ પ્રોજેક્‍ટો ને આગળ વધાર્યા હતા, તેમના કાર્યકાળ દરમિયાન શિવસેના એ મહારાષ્ટ્ર ના રાજકારણ માં મહત્‍વપૂર્ણ સ્‍થાન જાળવી રાખ્‍યું હતું.

પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ષ ૨૦૨૨માં શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિદે એ કરેલો બળવો પક્ષના ઇતિહાસની સૌથી મહત્‍વપૂર્ણ ઘટનાઓમાં નો એક માનવામાં આવે છે, આ ઘટનાના પરિણામે શિવસેના બે ભાગો માં વહેંચાઈ ગઈ અને રાજ્‍યની રાજકીય પરિસ્‍થિતિમાં મોટો ફેરફાર આવ્‍યો.

૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ પરિણામ બાદ મુખ્‍યમંત્રી પદના મુદ્દે બંને પક્ષો વચ્‍ચે મતભેદ ઊભા થયા. ત્‍યારબાદ ઉદ્ધવ ઠાકરે ના નેતૃત્‍વ માં શિવસેના એ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે મળીને મહા વિકાસ  અઘાડી સરકાર બનાવી, પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકરો નું માનવું હતું કે આ નિર્ણયથી શિવસેના પોતાની મૂળ હિન્‍દુત્‍વવાદી વિચારધારાથી દૂર જઈ રહી છે.

એકનાથ શિંદે સહિત અનેક ધારાસભ્‍યોને લાગતું હતું કે પક્ષના નિર્ણયો થોડા લોકો સુધી મર્યાદિત થઈ ગયા છે અને ધારાસભ્‍યો તથા કાર્યકરો સાથે પૂરતો સંપર્ક જાળવવામાં આવી રહ્યો નથી. પરિણામે પક્ષ ની અંદર અસંતોષ વધતો ગયો અને જૂન ૨૦૨૨માં એકનાથ શિદેના નેતૃત્‍વમાં મોટી સંખ્‍યામાં ધારાસભ્‍યો એ બળવો કર્યો. રાજકીય વિશ્‍લેષકોના મતે, ઉદ્ધવ ઠાકરે પક્ષની કેટલીક ભૂલો પણ આ બળવા માટે જવાબદાર હતી , ભાજપ સાથેનો લાંબા સમયનો સાથી  ધર્મ તોડવો, કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવી, સંગઠન અને ધારાસભ્‍યો સાથે સતત સંવાદનો અભાવ તથા નિર્ણયો મર્યાદિત વર્તુળમાં લેવાની પદ્ધતિને કારણે પક્ષમાં અસંતોષ વધ્‍યો હતો.

બળવાના પરિણામે જૂન ૨૦૨૨માં ઉદ્ધવ ઠાકરેએ મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપ્‍યું અને ભાજપના સમર્થન થી એકનાથ શિદે મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી બન્‍યા. ત્‍યારબાદ ચૂંટણી પંચે શિદે જૂથને શિવસેના નામ અને ધનુષ-બાણનું ચૂંટણી ચિホ ફાળવ્‍યું. આ રીતે શિવસેના બે અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ  એકનાથ શિદેની શિવસેના અને ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેની શિવસેના..આ સમગ્ર ઘટના એ મહારાષ્ટ્ર ના રાજકારણ માં એક નવો અધ્‍યાય શરૂ કર્યો અને શિવસેનાના ઇતિહાસ માં એક મહત્‍વપૂર્ણ વળાંક સાબિત થયો.

૨૦૨૪ અને ત્‍યારબાદ મહારાષ્ટ્રમાં એકનાથ શિદેના નેતૃત્‍વ હેઠળની શિવસેના રાજ્‍ય અને કેન્‍દ્રમાં ભાજપ સાથે મળીને કાર્યરત છે, જ્‍યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્‍વ હેઠળની શિવસેના (UBT) વિરોધ પક્ષ તરીકે કાર્ય કરી રહી છે, બંને જૂથો બાલાસાહેબ ઠાકરેના વારસા અને મૂળ વિચારધારાના સાચા વારસદાર હોવાનો દાવો કરે છે.

જુન ૨૦૨૨ બાદ જુન ૨૦૨૬ માં ફરી એકનાથ શિદેએ ઓપરેશન ટાઇગર  હાથ ધર્યું અને શિવસેના ( ઉદ્ધવ ઠાકરે જુથ ) ના વધુ ૯ જેટલા સાંસદો ( કોઈ ચર્ચા માં ૬ સાંસદ નો ઉલ્‍લેખ થાય છે  ) ને તોડ્‍યા હોવાનું ચર્ચાય છે.

આવો આપણે ઓપરેશન ટાઇગર વિશે જોઈએ તાજેતરના સમય માં મહારાષ્ટ્ર ના રાજકારણ માં ‘ઓપરેશન ટાઇગર'ની ખૂબ ચર્ચા ચાલી રહી છે, રાજકીય વર્તુળો માં એવી ચર્ચા છે કે ઉપમુખ્‍યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિદે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)ના કેટલાક સાંસદો અને નેતાઓને પોતાના પક્ષમાં લાવવાના પ્રયાસોમાં સક્રિય છે ,  આ સમગ્ર રાજકીય પ્રક્રિયા ને અનૌપચારિક રીતે ‘ઓપરેશન ટાઇગર' નામ આપવામાં આવ્‍યું છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, શિદે જૂથ નો પ્રયાસ લોકસભામાં પોતાની સંખ્‍યા વધારવાનો અને શિવસેનામાં પોતાનું રાજકીય પ્રભુત્‍વ વધુ મજબૂત કરવાનો છે, એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો શિદે જૂથ ના સંપર્કમાં છે અને તેઓ ભવિષ્‍યમાં પક્ષ પરિવર્તન કરી શકે છે.

ઓપરેશન ટાઇગરના પરિણામ આગામી કલાકો માં આવી જશે, પરંતુ એક વાત નક્કી છે કે આનાથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ની કમર તૂટી જશે,

જો ઉદ્ધવ ઠાકરે સંગઠનને મજબૂત બનાવી શકશે અને MVA ગઠબંધન એકજૂટ રહેશે, તો પક્ષ મહારાષ્ટ્ર માં મહત્‍વપૂર્ણ વિરોધ પક્ષ તરીકે ટકી શકે છે, જો વધુ નેતા ઓ અને કાર્યકરો પક્ષ છોડશે, તો પક્ષની રાજકીય શક્‍તિ ઘટી શકે છે , આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓ અને વિધાનસભાની ચૂંટણી ઓ પક્ષના ભવિષ્‍ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે ,અટકળો કરતાં વધુ મહત્‍વનું એ છે કે આગામી ચૂંટણીના પરિણામો, સંગઠનાત્‍મક એકતા અને જનસમર્થન શિવસેના પક્ષનું વાસ્‍તવિક રાજકીય ભવિષ્‍ય નક્કી કરશે. બાકી રાજકીય આલમમાં સત્તા વગર રહેવું એટલે જાણે પાણી વગર માછલી એ રહેવા જેવું સંઘર્ષ ભર્યું હોય છે  ૬૦ વર્ષ જૂના પક્ષ હાલ તો પોતાનું અસ્‍તિત્‍વ ટકાવવા મરણિયા પ્રયાસ કરતું નજરે પડે છે.

(3:43 PM IST)