<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

હેમંત સરકારને આઘાત: અનેક મહત્ત્વનાં ખાતાં સંભાળતા મંત્રી સુદિવ્યકુમાર સોનુનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન

ગિરિડીહથી સતત બીજી વાર જીતેલા ઝારખંડ મુક્તિ મોરચાના દિગ્ગજ નેતાની વિદાયથી રાજ્યના રાજકારણમાં શોકની લહેર

રાંચી, તા. ૬ : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના વિશ્વાસુ સાથી અને રાજ્ય સરકારના પ્રભાવશાળી મંત્રી સુદિવ્યકુમાર સોનુનું શનિવારે મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતાં અવસાન થયું હતું. તેમની તબિયત અચાનક બગડતાં પરિવારજનો તેમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

સુદિવ્યકુમાર ઝારખંડ સરકારમાં ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, નગર વિકાસ અને આવાસ, પ્રવાસન, કલા-સંસ્કૃતિ, રમતગમત તથા યુવા બાબતો સહિતનાં મહત્ત્વનાં ખાતાં સંભાળતા હતા. તેઓ ગિરિડીહ સદર વિધાનસભા બેઠક પરથી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય હતા. વર્ષ ૨૦૧૯માં પ્રથમ વખત ચૂંટાયા બાદ વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં તેમણે બેઠક જાળવી રાખી હતી.

 

રાજ્યમાં વિદ્યાર્થીઓનાં આંદોલનો અને ભરતી સંબંધિત પ્રશ્નો દરમિયાન સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચે સંવાદ સ્થાપવામાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. ઝારખંડ આંદોલનના સમયથી તેઓ સ્વર્ગસ્થ શિબુ સોરેન સાથે જોડાયેલા હતા અને રાજ્યના અધિકાર, અસ્મિતા તથા સ્વાભિમાનના મુદ્દે સક્રિય રહ્યા હતા.

 

મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે સુદિવ્યકુમાર માત્ર રાજકીય સાથી નહોતા, પરંતુ મોટા ભાઈની જેમ માર્ગદર્શન આપતા હતા. તેમના અવસાનથી અંગત જીવન, પક્ષ અને રાજ્યમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ઝારખંડ મુક્તિ મોરચાએ પણ તેમને સમર્પિત અને સંઘર્ષશીલ કાર્યકર ગણાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

(10:43 AM IST)