તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 8th July 2026
યુએસ કોર્ટનો ચોંકાવનારો ફેંસલો: પત્ની-બાળકો સહિત ટેસ્લા કાર ૨૫૦ ફૂટ ઊંડા ખડક પરથી નીચે ફેંકનારા ભારતીય મૂળના ડૉક્ટર સામેના તમામ આરોપો રદ
ગંભીર ડિપ્રેશન અને ભ્રમનો શિકાર બનેલા ડૉ. ધર્મેશ પટેલે ૨ વર્ષનો માનસિક સ્વાસ્થ્ય સારવાર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો; પત્નીના શરૂઆતના ગંભીર આક્ષેપો છતાં કાયદાકીય જોગવાઈ હેઠળ કેસ બંધ

કેલિફોર્નિયા, તા.૦૮: યુનાઇટેડ સ્ટેટ્સની (યુએસ) એક અદાલતે ભારતીય મૂળના ડૉક્ટર ધર્મેશ પટેલ સામેના હત્યાના પ્રયાસના તમામ ગંભીર આરોપોને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. જાન્યુઆરી ૨૦૨૩ માં બનેલી આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર જગાવી હતી, જેમાં ડૉ. પટેલે ઉત્તરી કેલિફોર્નિયામાં ૨૫૦ ફૂટ ઊંચા ખડક પરથી પોતાની પત્ની અને બે માસૂમ બાળકો સાથે આખી ટેસ્લા કાર નીચે ખાઈમાં ભગાડી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં કારના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હોવા છતાં, પરિવારના ચારેય સભ્યો ચમત્કારિક રીતે સામાન્ય ઇજાઓ સાથે બચી ગયા હતા.
આ ઘટના બાદ ભારતીય-અમેરિકન રેડિયોલોજિસ્ટ પટેલ પર પત્ની નેહા અને તે સમયે ૪ અને ૭ વર્ષની ઉંમરના બે બાળકોની હત્યાના પ્રયાસના ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા. સાન માટેઓ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની સ્ટીવ વેગસ્ટાફે કોર્ટના આ તાજા નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કાયદા મુજબ ન્યાયાધીશ પાસે આરોપો ફગાવી દેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો 'મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન' (માનસિક સ્વાસ્થ્ય પરિવર્તન) હેઠળ કોઈ વ્યક્તિ તેની નિર્ધારિત સારવાર યોજનાનું સંપૂર્ણ પાલન કરે છે, તો બે વર્ષના અંતે તેના ગુનાહિત રેકોર્ડમાંથી તે કાયદાકીય કલમો આપોઆપ ભૂંસી નાખવામાં આવે છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ આખો કાંડ ડૉ. પટેલના તીવ્ર "માનસિક ભંગાણ" (મેન્ટલ બ્રેકડાઉન) નું પરિણામ હતો. અકસ્માત સમયે બચાવકર્તા અને પેરામેડિક્સ સમક્ષ તેમની પત્નીએ ત્રણથી વધુ વખત આક્ષેપ કર્યો હતો કે તેના પતિ ભારે ડિપ્રેશનમાં છે અને તેમણે જાણી જોઈને જ કાર ખડક પરથી નીચે ઉતારી દીધી હતી. પૂછપરછ દરમિયાન પટેલે પોતે સ્વીકાર્યું હતું કે તેઓ પેરાનોઇયા અને ભ્રમનો સામનો કરી રહ્યા હતા. તેમને સતત એવા ભયાનક ભ્રમ થતા હતા કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે અને તેમના બાળકોનું અપહરણ કરીને તેમની તસ્કરી કે જાતીય શોષણ કરવામાં આવશે. મનોચિકિત્સકોના મતે, તેમણે પોતાના પરિવારને આ કાલ્પનિક અને ખરાબ ભવિષ્યથી બચાવવા માટે જ આ પગલું ભર્યું હતું.
ડૉક્ટરોની જુબાની અને તબીબી અહેવાલોના આધારે, ૨૦૨૪ માં સાન માટેઓ કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ સુસાન જાકુબોવસ્કીએ પટેલને જેલના બદલે બે વર્ષના આઉટપેશન્ટ માનસિક સારવાર કાર્યક્રમ પર મોકલવાનો આદેશ કર્યો હતો. આ સારવાર દરમિયાન ડૉ. પટેલને જીપીએસ (GPS) બ્રેસલેટ મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ પાસપોર્ટ જપ્ત કરી લેવાયા હતા. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અને કોર્ટની શરતોનું પાલન કરતા ન્યાયાધીશે તેમને ક્લીનચીટ આપી છે. રસપ્રદ વાત એ છે કે, તેમની પત્નીએ પણ પાછળથી પતિ સામે કેસ ચલાવવાની ના પાડી દીધી હતી અને હાલમાં આખો પરિવાર સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં ફરી એકસાથે ખુશહાલ જીવન વિતાવી રહ્યો છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
