<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ચોંકાવનારો વિસ્ફોટ : કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજના યુનિયન રૂમમાંથી ઊધઈ ખાઈ ગયેલી લાખોની રોકડ મળી આવી : જુઓ વિડિયો

સફાઈ કરવા માટે તાળું તોડતા જ ભાંડો ફૂટ્યો: ૫૦ થી ૬૦ લાખ રૂપિયા હોવાનો અંદાજ, પોલીસ તપાસ શરૂ:

કોલકાતા: અહીંની સુરેન્દ્રનાથ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિયન રૂમમાંથી aaje મંગળવારે (૨ જૂન) બે સૂટકેસમાં ભરેલી લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે લાંબા સમયથી બંધ રૂમમાં રાખેલી આ નોટોના બંડલોને ઊધઈ ખાઈ ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ આ રકમ આશરે ૫૦ થી ૬૦ લાખ રૂપિયા હોઈ શકે છે. કોલેજ પ્રશાસનની ફરિયાદ બાદ મુચીપારા પોલીસ સ્ટેશને રોકડ અને કેટલાક વાઉચરો જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. વિપક્ષી પક્ષોએ તૃણમૂલ કોંગ્રેસ ના વિદ્યાર્થી સંગઠન પર નોકરી કૌભાંડ અને એડમિશનના નામે ઉઘરાવેલી લાંચના નાણાં હોવાનો આક્ષેપ કર્યો છે.

કોલકાતાની પ્રતિષ્ઠિત સુરેન્દ્રનાથ કોલેજમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજના વિદ્યાર્થી સંગઠન (યુનિયન) ના રૂમમાંથી બે મોટી સૂટકેસ ભરીને રાખવામાં આવેલા લાખો રૂપિયાના રોકડા નાણાં મળી આવ્યા છે. આ નાણાં એટલા લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યા હતા કે નોટોના મોટાભાગના બંડલોને ઊધઈએ કોતરી ખાધા છે.

મળતી માહિતી મુજબ, ગયા મહિને કોલેજ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી સુરેન્દ્રનાથ કોલેજના યુનિયન રૂમને તાળું મારેલું હતું. મંગળવારે કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ આ રૂમની સફાઈ કરવા માટે આવ્યા હતા, પરંતુ રૂમની ચાવી રહસ્યમય રીતે ગાયબ હતી. આથી કોલેજ સત્તાધીશોની હાજરીમાં કર્મચારીઓએ યુનિયન રૂમનું તાળું તોડ્યું હતું. રૂમની અંદર ખૂણામાં પડેલી બે સૂટકેસ ખોલતા જ ત્યાં હાજર તમામ લોકોના હોશ ઊડી ગયા હતા. સૂટકેસમાં ₹૧૦૦ અને ₹૫૦૦ ના દરની નોટોના થપ્પેથપ્પા ગોઠવેલા હતા, જેમાંથી મોટાભાગની નોટો ઊધઈના કારણે બિસ્માર હાલતમાં હતી.

 

*ઘટનાની જાણ થતાં જ મુચીપારા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે રોકડ ભરેલી બંને સૂટકેસ કબજે કરી લીધી છે. નોટો ખરાબ થઈ ગઈ હોવાથી તેની ચોક્કસ ગણતરીમાં સમય લાગી રહ્યો છે, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર આ રકમ ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ સિવાય રૂમમાંથી ઘણા શંકાસ્પદ વાઉચર્સ અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે. કોલેજના પ્રિન્સિપાલે આ અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના સામે આવ્યા બાદ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ અને સીપીએમના નેતાઓએ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ ના વિદ્યાર્થી સંગઠન 'તૃણમૂલ છાત્ર પરિષદ' પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે આ કોલેજમાં એડમિશન અપાવવા માટે અને નોકરીઓ વેચવાના કૌભાંડ હેઠળ વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ નાણાં પણ તે જ ભ્રષ્ટાચારના છે, જેને સગેવગે કરવાનો મોકો ન મળતા રૂમમાં છુપાવી રખાયા હતા. પોલીસે આ યુનિયન રૂમ જેના નિયંત્રણમાં હતો તેવા ટીએમસીપીના નેતાઓની પૂછપરછ કરવાની દિશામાં તપાસ લંબાવી છે

(9:40 PM IST)