<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ઉજ્જૈનના સ્મશાનમાં હચમચાવનારી ઘટના: સળગતી ચિતામાંથી માનવ માંસ ખાનાર 'લેડી અઘોરી'ની ધરપકડ, સોશિયલ મીડિયા વીડિયોથી ખુલાસો

તલવાર લઈને ચિતા પાસે તાંત્રિક વિધિ કરનાર સ્વ-ઘોષિત અઘોરી કાલી નંદ ગિરી વિરુદ્ધ ગુનો નોંધાયો, છેતરપિંડી અને ગુપ્ત આવકના સ્ત્રોતની તપાસ શરૂ

ઉજ્જૈન : મધ્યપ્રદેશના પવિત્ર શહેર ઉજ્જૈનની એક સ્મશાનભૂમિમાં સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય અને 'લેડી અઘોરી' તરીકે ઓળખાતી સ્વ-ઘોષિત અઘોરી કાલી નંદ ગિરી (અલ્લુરી શ્રીનિવાસ) દ્વારા સળગતી ચિતામાંથી તલવાર વડે માનવ માંસ કાઢીને ખાવાની અત્યંત ધ્રુજારી ઉપજાવતી ઘટના સામે આવતા મંગળવારે પોલીસે તેની ધરપકડ કરી ૧૫ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી છે. ઉજ્જૈન સ્મશાનભૂમિના રહેવાસી વિષ્ણુનાથ મહારાજ દ્વારા દાખલ કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રદીપ શર્માના માર્ગદર્શન હેઠળ જીવાજીગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૧ (પરવાનગી વગર સ્મશાનમાં પ્રવેશ, અંતિમ સંસ્કારમાં અવરોધ અને શબનું અપમાન) હેઠળ ગુનો નોંધીને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર મહિલા સામે કાયદાકીય શિકંજા સકસવામાં આવ્યો છે.

વાયરલ થયેલા કથિત વીડિયોમાં આરોપી કાલી નંદ ગિરી હાથમાં તલવાર પકડીને સળગતી ચિતાની બિલકુલ નજીક ઊભી રહીને ભયાનક તાંત્રિક વિધિ કરતી નજરે પડે છે, જ્યાં તે તલવારની મદદથી સળગતી ચિતામાંથી માંસનો ટુકડો અલગ કરીને બેધડક ખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ જતાં સભ્ય સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકો દ્વારા આ રાક્ષસી કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને આ ડરામણી ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે જૂના અખાડાના મહામંડલેશ્વર શૈલેશાનંદ ગિરીએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવા અમાનવીય અને રાક્ષસી કૃત્યો સભ્ય સમાજમાં ક્યારેય સહન કરી શકાતા નથી અને અઘોરી સાધના હંમેશાં ગુપ્ત રાખવાની હોય છે, જેને જાહેરમાં પ્રદર્શિત કરનાર વ્યક્તિ સાધક નહીં પરંતુ માત્ર ઠગ કે છેતરપિંડી કરનાર હોય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ પુરુષ તરીકે જન્મેલી અને પાછળથી ટ્રાન્સજેન્ડર ઓળખ અપનાવનાર આ મહિલા અઘોરી અગાઉ તેલંગાણામાં એક વિદ્યાર્થી સાથે છેતરપિંડી કરવા અને તાંત્રિક વિધિના બહાને અન્ય એક મહિલા પાસેથી ૧૦ લાખ રૂપિયા પડાવી લેવાના ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલી રહી છે.

હાલ ઉજ્જૈન પોલીસ આ સ્વ-ઘોષિત 'લેડી અઘોરી'ના ભુતકાળના રેકોર્ડ, તેની શંકાસ્પદ જીવનશૈલી તેમજ તેની બેફામ કમાણી અને આવકના ગુપ્ત સ્ત્રોતો વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી તેની પાછળ કોઈ મોટું રેકેટ કે ઠગાઈનું નેટવર્ક સક્રિય છે કે નહીં તેની સત્યતા બહાર આવી શકે. સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક સ્થળો અને મંદિરોમાં વીડિયો બનાવીને ભોળા લોકોને આકર્ષતી અને સનાતન ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવતી આ મહિલા વિરુદ્ધ ચાલી રહેલી કડક તપાસથી ધાર્મિક વર્તુળોમાં પણ કડાકો બોલી ગયો છે અને આગામી દિવસોમાં તેની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.

(10:46 AM IST)