તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
દેશમાં પીવાના પાણીની ગુણવત્તા પર ચોંકાવનારો અહેવાલ: ૨% નમૂના દૂષિત, પશ્ચિમ બંગાળમાં દરેક પાંચમો અને કેરળમાં ૯% સેમ્પલ ફેલ
જળ જીવન મિશનના આંકડા મુજબ લેબમાં તપાસાયેલા ૪૫.૧૬ લાખથી વધુ પાણીના નમૂનાઓમાંથી ૮૨,૧૮૦ દૂષિત મળ્યા : જેમાં બંગાળ અને કેરળ સૌથી ખરાબ સ્થિતિમાં છે જ્યારે તમિલનાડુ અને ગુજરાતમાં દૂષિત પાણીનું પ્રમાણ અત્યંત ઓછું નોંધાયું છે

નવી દિલ્હી : દેશભરમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે જળ શક્તિ મંત્રાલયના જળ જીવન મિશન પોર્ટલ પરથી એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ૨૧ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં દેશની ૨,૮૮૨ સક્રિય પ્રયોગશાળાઓમાં કુલ ૪૫,૧૬,૪૪૨ પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૮૨,૧૮૦ નમૂના (આશરે ૧.૮૨% એટલે કે ૨%) પીવાલાયક ધોરણો મુજબ દૂષિત મળી આવ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે દૂષિત મળેલા ૮૨,૧૮૦ નમૂનાઓમાંથી માત્ર ૨૬,૫૭૬ કેસોમાં જ સુધારાત્મક કાર્યવાહી નોંધાઈ છે, જ્યારે બાકીના કિસ્સાઓમાં નક્કર પગલાંનો અભાવ જોવા મળ્યો છે.
રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં તપાસાયેલા ૧,૧૨,૮૧૬ નમૂનાઓમાંથી ૨૦,૭૦૩ (૧૮.૩૫% એટલે કે લગભગ ૫ માંથી ૧ નમૂનો) દૂષિત નીકળ્યા છે, છતાં લેબ ડેટામાં શૂન્ય સુધારાત્મક કાર્યવાહી દર્શાવાઈ છે. બીજા ક્રમે કેરળમાં ૨,૧૦,૩૫૩ નમૂનામાંથી ૧૯,૫૫૮ (૯.૩૦%) અને મહારાષ્ટ્રમાં ૩,૮૧,૩૬૭ માંથી ૧૪,૪૪૯ નમૂના દૂષિત મળી આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટક (૭,૫૭૪), હરિયાણા (૪,૭૫૨), સિક્કિમ (૩,૬૬૬), રાજસ્થાન (૩,૨૫૩) અને ઉત્તર પ્રદેશ (૧,૮૮૩) માં પણ મોટી સંખ્યામાં દૂષિત સેમ્પલ મળ્યા છે; જ્યારે બીજી તરફ તમિલનાડુમાં સૌથી વધુ ૬,૩૭,૬૧૫ પરીક્ષણો સામે માત્ર ૭૮ અને ગુજરાતમાં ૩,૪૦,૨૦૨ પરીક્ષણો સામે માત્ર ૭૬૪ નમૂના જ દૂષિત જણાયા છે, તેમજ આંધ્રપ્રદેશ, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડમાં લેબ ટેસ્ટિંગ દરમિયાન એક પણ નમૂનો દૂષિત નોંધાયો નથી.
પ્રયોગશાળાઓ ઉપરાંત ગ્રામીણ સ્તરે પણ પાણીની શુદ્ધતા ચકાસવા માટે મોટા પાયે જનભાગીદારી જોવા મળી રહી છે. દેશના ૫,૦૭,૬૪૨ ગામડાઓમાં ૨૪,૮૦,૫૩૩ મહિલાઓને ફિલ્ડ ટેસ્ટિંગ કીટ (FTK) દ્વારા પાણી ચકાસવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. આ તાલીમબદ્ધ મહિલાઓ દ્વારા અત્યાર સુધીમાં ૨,૮૭,૦૭૫ ગામડાઓમાં FTK નો ઉપયોગ કરીને ૮૨,૮૦,૪૭૧ થી વધુ પાણીના પરીક્ષણો કરવામાં આવ્યા છે, જે ગ્રામીણ ભારતમાં સ્વચ્છ પીવાના પાણી પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
