<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

પુણે લવ ટ્રાયંગલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: મંગેતરને ૨૦૦ ફૂટ ઊંડી ખાઈમાં ફેંકતા પહેલા સિયા ગોયલે ગૂગલ પર સર્ચ કર્યું હતું – 'મશરૂમથી હત્યા કેમ કરવી?'

પ્રેમી ચેતન સાથે મળીને મંગેતર કેતન અગ્રવાલની હત્યા કરનાર સિયા ગોયલની સર્ચ હિસ્ટ્રી સામે આવી; હત્યા કર્યા પછી પરિવાર સામે 'વધુ ઉદાસ કેમ દેખાવું' તે માટે ChatGPTની મદદ લીધી હતી!

પુણે : મહારાષ્ટ્રના પુણે સ્થિત લોહગઢ કિલ્લા પરથી ૨૬ વર્ષીય રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલને ૨૦૦ ફૂટ ઊંડી ખાઈમાં ધકેલીને મોતને ઘાટ ઉતારવાના બહુચર્ચિત મર્ડર કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી હાલ જેલમાં છે, ત્યારે પુણે ગ્રામીણ પોલીસે કોર્ટમાં ૫,૦૫૩ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં સિયા ગોયલના ફોનનો ગૂગલ અને એઆઈ સર્ચ હિસ્ટ્રી સામે આવતા તપાસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.


હત્યા પહેલા ગૂગલ પર મશરૂમ પોઈઝનિંગનું રિસર્ચ
ચાર્જશીટ અને ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, મંગેતર કેતનને કિલ્લા પરથી ધક્કો મારીને મારતા મહિનાઓ પહેલા સિયાએ તેને ખોરાકમાં ઝેર આપીને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે ગૂગલ પર:


•    "મશરૂમનો ઉપયોગ કરીને મહિલાએ પરિવારને કેવી રીતે પતાવી દીધો?"

•    "શું કોઈને ઝેર આપીને મારવું સરળ છે?"

•    "માણસોને કેવી રીતે મેનિપ્યુલેટ (બ્રેઈનવોશ) કરવા?"

જેવા વિષયો પર ઊંડું સંશોધન કર્યું હતું.


અન્ય મર્ડર કેસનો અભ્યાસ અને સોનમ રઘુવંશીની ભૂલોમાંથી પાઠ
તપાસમાં સામે આવ્યું છે કે હત્યાને અંજામ આપતા પહેલા આરોપીઓએ મેઘાલયના ચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. સિયાએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે "પોલીસે સોનમ રઘુવંશીની પૂછપરછમાં શું પ્રશ્નો પૂછ્યા હતા?" જેથી તે પોલીસની પકડમાંથી બચી શકે. આ ઉપરાંત, કેતનના મોતને અકસ્માતમાં ખપાવવા માટે તેણે લોહગઢ કિલ્લા પર અગાઉ બનેલી અકસ્માતની ઘટનાઓ અંગે પણ ઇન્ટરનેટ પર માહિતી ભેગી કરી હતી.


હત્યા બાદ ChatGPT પર શોધ્યું - 'પરિવાર સામે ઉદાસ કેમ દેખાવું?'
૧૮ જૂનના રોજ કેતનને ટ્રેકિંગના બહાને કિલ્લા પર લઈ જઈ ખાઈમાં ફેંકી દીધા બાદ પણ સિયાના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. પકડાઈ જવાના ડરથી તેણે એઆઈ ટૂલ (ChatGPT) નો ઉપયોગ કરીને સર્ચ કર્યું હતું:


•    "પરિવાર સામે વધુ ઉદાસ અને આઘાતમાં હોવાનું નાટક કેવી રીતે કરવું?"

•    "ગભરાયા વિના પોલીસના તીખા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા?"

હાલમાં સિયા ગોયલ અને તેનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી જેલના સળિયા પાછળ ધકેલાયા છે, પરંતુ આ હાઇ-ટેક મર્ડર પ્લાનિંગે સૌ કોઈને ચોંકાવી દીધા છે.

(6:10 PM IST)