<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

પુણેના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: મંગેતરે જ રચ્યું કેતન અગ્રવાલના મોતનું કાવતરું

​મૃતક પાસેથી 1 કરોડ પડાવી પ્રેમી ચેતનને આપ્યા હોવાની શંકા: લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારી હત્યા કર્યા બાદ અકસ્માતનું નાટક રચ્યું

​પુણે: પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલના ચકચારી હત્યા કેસમાં રોજબરોજ નવા અને ભયાનક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એક સમયે જે કેસ અકસ્માતે મોતનો લાગતો હતો, તે હવે એક ઠંડા કલેજે રચાયેલું પૂર્વ-આયોજિત કાવતરું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, કેતનની મંગેતર સિયા ગોયલે પોતાના પ્રેમી ચેતન સાથે મળીને આ સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હતું.

​તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ, સિયા ગોયલે કેતનની હત્યા કરતા પહેલા જ તેને આર્થિક રીતે પણ નિશાન બનાવ્યો હતો. આરોપ છે કે સિયાએ કેતન પાસેથી 1 કરોડ રૂપિયાની મોટી રકમ અલગ-અલગ બહાને પડાવી હતી અને આ રકમ તેણે પોતાના પ્રેમી ચેતન ચૌધરીને આપી દીધી હતી. આ આર્થિક વ્યવહાર કેતનની હત્યાના કાવતરાનો જ એક ભાગ હોવાની શંકા તપાસ અધિકારીઓ સેવી રહ્યા છે.

​ઘટનાક્રમ અને તપાસના પાસા:

કેતન અગ્રવાલ (૨૬)નું મોત ૧૮ જૂનના રોજ લોહાગઢ કિલ્લા પરથી ૪૦૦ ફૂટ ઊંડી ખાઈમાં પડવાથી થયું હતું. શરૂઆતમાં સિયાએ પોલીસને જણાવ્યું હતું કે, કેતન ફોટો પાડતી વખતે લપસી ગયો હતો, જેથી તે અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે, પોલીસને સિયાના વર્તનમાં શંકા ગઈ હતી. તપાસ દરમિયાન સિયા અને ચેતન વચ્ચેના ૨,૦૦૦થી વધુ કોલ અને વોટ્સએપ ચેટ્સ પુરાવા તરીકે સામે આવતા આખો મામલો બદલાઈ ગયો હતો.

​પોલીસના મતે, સિયા અને ચેતન લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા, પરંતુ પરિવારના દબાણને કારણે સિયાના લગ્ન કેતન સાથે નક્કી કરવામાં આવ્યા હતા. આ લગ્ન તોડવાને બદલે સિયાએ કેતનને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ કેતનની હત્યા કરવા માટે અગાઉ પણ અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. અંતે ૧૮ જૂનના રોજ સિયાએ કેતનને બર્થડે સેલિબ્રેશનના બહાને લોહાગઢ કિલ્લા પર બોલાવ્યો હતો, જ્યાં અગાઉથી જ પ્લાન મુજબ પહોંચેલા ચેતનની મદદથી કેતનને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

​હાલ પોલીસ બંને આરોપીઓની કસ્ટડી મેળવીને તેમની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હવે નાણાકીય લેવડ-દેવડની કડીઓ પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે, જેથી આ હત્યા પાછળના અન્ય હેતુઓ પણ સ્પષ્ટ થઈ શકે.

(5:42 PM IST)