<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો :સિયા અને ચેતનએ પૂછપરછથી બચવા જાપાનીઝ વીડિયો જોયા હતા

કેસના મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વડગાંવ કોર્ટમાં રજૂ કરાયા :સુનાવણી બાદ કોર્ટે બંને આરોપીઓની ન્યાયિક કસ્ટડી 29 જુલાઈ સુધી લંબાવી

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. કેસના મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વડગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે બંને આરોપીઓની ન્યાયિક કસ્ટડી 29 જુલાઈ સુધી લંબાવી છે.

તપાસ દરમિયાન સામે આવેલી માહિતી અનુસાર, સિયા અને ચેતને કેતનની હત્યા માટે કથિત રીતે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને તેને આ કામ કરવા માટે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં તે વ્યક્તિ સંમત થયો હતો, પરંતુ બાદમાં ડરના કારણે તેણે આ યોજનામાંથી પીછેહઠ કરી હતી. હવે તે જ વ્યક્તિ આ સમગ્ર કેસમાં મહત્વનો સાક્ષી બની શકે છે.

 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલે થયેલી ચર્ચા એક હોટલમાં થઈ હતી. તપાસ એજન્સીએ હોટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. પોલીસનો દાવો છે કે આ ફૂટેજમાં સિયા અને ચેતન કથિત કોન્ટ્રાક્ટ કિલરને મળવા પહોંચ્યા હોવાના પુરાવા મળી શકે છે.

આ કેસમાં સિયા અને ચેતનના લગ્ન અંગે પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. જોકે, અત્યાર સુધીની તપાસમાં તેમના લગ્ન થયાના કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી. પોલીસને જાણવા મળ્યું છે કે બંનેએ માત્ર ફોન પર લગ્ન અંગે ચર્ચા કરી હતી.

 

તપાસના ભાગરૂપે પુણે ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ખાટુશ્યામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. ડિસેમ્બર 2025 દરમિયાન સિયા અને ચેતન ત્યાં ગયા હોવાની માહિતી મળી હતી અને ત્યાં લગ્ન કર્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન મંદિર અથવા અન્ય કોઈ સત્તાવાર રેકોર્ડમાં તેમના લગ્ન અંગે કોઈ પુરાવો મળ્યો નથી.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ બાદ પૂછપરછનો સામનો કેવી રીતે કરવો તે સમજવા માટે સિયા અને ચેતને લગભગ બે કલાકનો જાપાનીઝ વીડિયો જોયો હતો. આ વીડિયોમાં પૂછપરછ દરમિયાન શાંત રહેવાની રીતો અને પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તેની માહિતી આપવામાં આવી હતી.

પોલીસનો દાવો છે કે બંને આરોપીઓની વેબ બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાંથી આ વીડિયો સંબંધિત લિંક્સ પણ મળી આવી છે, જેને તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. હાલ તપાસ વિવિધ દિશામાં આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:17 AM IST)