News of Monday, 29th June 2026
જર્મનીના સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ગોળીબાર : ૫ લોકોના મોત : હુમલાખોર ઝડપાયો!
યુવા કેન્દ્ર ની બહાર અજાણ્યા બંદૂકધારીએ ચલાવી ગોળીઓ : ડેન્કર્સસ્ટ્રેસ સ્ટ્રીટ લોહીથી ખરડાઈ : સમગ્ર હેમ્બર્ગ ક્ષેત્રમાં હાઈ-એલર્ટ વચ્ચે પોલીસે હાથ ધર્યું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન

બર્લિન: ઉત્તરી જર્મનીના શાંત અને ઐતિહાસિક ગણાતા સ્ટેડ શહેરમાં એક હૃદય કંપાવી દેનારી ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જર્મન સમાચાર એજન્સી ડીપીએ ના અહેવાલ મુજબ, આ લોહિયાળ ઘટના શહેરની મધ્યમાં આવેલા એક સ્થાનિક યુવા કેન્દ્ર ની બિલકુલ નજીક બની હતી. અચાનક થયેલા આ આંધણધૂંધ ફાયરિંગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જર્મન સ્પેશિયલ ફોર્સ અને સશસ્ત્ર પોલીસ કાફલાએ સ્ટેડ શહેરના દક્ષિણ ભાગમાં આવેલી પ્રખ્યાત શેરી ‘ડેન્કર્સસ્ટ્રેસ’ ને ચારેય તરફથી ઘેરી લઈને કિલ્લામાં ફેરવી દીધી હતી અને અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સ્થાનિક સુરક્ષા એજન્સીઓ અને સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક નરસંહારને અંજામ આપનાર એક મુખ્ય શંકાસ્પદ હુમલાખોરની પોલીસે ભારે જહેમત બાદ ઘટનાસ્થળેથી જ હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે. જો કે, આ હુમલા પાછળનો અસલી હેતુ શું હતો, હુમલાખોરે માસૂમોને કેમ નિશાન બનાવ્યા અને માર્યા ગયેલા કમનસીબ પીડિતો કોણ છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. પોલીસ હાલ પકડાયેલા શંકાસ્પદ શખ્સની કોઈ અજ્ઞાત સ્થળે આકરી પૂછપરછ કરી રહી છે. આ ક્રૂર હુમલા બાદ જર્મનીના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને નાગરિકોને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
અંદાજે ૫૦,૦૦૦ ની શાંત વસ્તી ધરાવતું સ્ટેડ શહેર જર્મનીના પ્રખ્યાત મહાનગર હેમ્બર્ગથી માત્ર ૪૦ કિલોમીટર (૨૫ માઇલ) ના અંતરે આવેલું છે, જ્યાં સામાન્ય રીતે ગુનાખોરીનો ગ્રાફ ઘણો નીચો રહે છે. આવી શાંત જગ્યાએ એકસાથે પાંચ લોકોની કરપીણ હત્યા થતાં જ સમગ્ર જર્મની સહિત યુરોપના દેશો સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ જર્મનીમાં વધી રહેલી ગન-કલ્ચર અને યુરોપમાં આંતરિક સુરક્ષાના કાયદાઓ પર ફરી એકવાર મોટા સવાલો ઊભા કરી દીધા છે. સોમવારે બપોર પછી બનેલી આ ઘટનાને પગલે સ્ટેડના તમામ બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ ત્વરિત ધોરણે બંધ કરી દેવામાં આવી છે અને સમગ્ર હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ સખત કરી દેવાયું છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
