તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતી વખતે દુકાનદારો ૨% વધારાનો ચાર્જ વસૂલે છે? જાણો આ ફી કાયદેસર છે કે ગેરકાયદે, અને ગ્રાહક તરીકે તમારા હક શું છે!
ગ્રાહકોના ખિસ્સા પર સીધો દરોડો પાડતી 'MDR' ફીનો વિવાદ; જાણો પિન એન્ટર કરતા પહેલાં કઈ સાવચેતી રાખવી અને ક્યાં કરવી ફરિયાદ

નવી દિલ્હી : મોંઘી વસ્તુઓ કે શોપિંગ કરતી વખતે બિલિંગ કાઉન્ટર પર અવારનવાર ગ્રાહકોને એક અકળાવનારો અનુભવ થાય છે. બિલ ચૂકવતી વખતે દુકાનદાર કે વેપારી અચાનક એવું ફરમાન સંભળાવે છે કે જો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો, તો કુલ રકમ પર ૧ થી ૨ ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. મોટાભાગના ગ્રાહકો કોઈ પણ જાતના વિરોધ કે પ્રશ્ન વગર આ રકમ ચૂકવી દે છે. પરંતુ શું દુકાનદાર માટે આ વધારાનો ચાર્જ વસૂલવો વ્યાજબી છે? ચાલો આ પાછળનું કાનૂની અને નાણાકીય સત્ય સમજીએ.
શું છે આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નું ગણિત?
જ્યારે તમે કોઈ દુકાને કાર્ડ સ્વાઇપ કરો છો, ત્યારે તે વ્યવહાર પ્રોસેસ કરવા બદલ વેપારીએ બેંક અને કાર્ડ નેટવર્ક કંપનીને એક ચોક્કસ ફી ચૂકવવી પડે છે, જેને 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) કહેવામાં આવે છે. નિયમ મુજબ આ ખર્ચ પોતે વેપારીએ જ ભોગવવાનો હોય છે. પરંતુ ઘણા દુકાનદારો પોતાનો આ ખર્ચ બચાવવા માટે ગેરકાયદેસર રીતે તેને ગ્રાહકના બિલમાં ઉમેરી દે છે અને ગ્રાહક પર ૨% નો વધારાનો બોજ નાખી દે છે.
ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમો અલગ-અલગ:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેબિટ કાર્ડ માટેના સ્પષ્ટ નિયમો છે કે વેપારી ગ્રાહક પાસેથી કોઈ સીધો ચાર્જ વસૂલ કરી શકે નહીં. જોકે, ક્રેડિટ કાર્ડના કિસ્સામાં ચુકવણીના નિયમો બેંક, પેમેન્ટ પ્લેટફોર્મ અને વેપારી વચ્ચેના કરાર પર આધારિત હોય છે. કાર્ડ નેટવર્કના નિયમો અનુસાર, વેપારી આ MDR ફી સીધી ગ્રાહક પર ટ્રાન્સફર કરી શકતો નથી. ઓનલાઈન ટિકિટિંગ અને ડિજિટલ સેવાઓમાં લાગતી કન્વિનિયન્સ ફી અલગ બાબત છે, જે ચુકવણી પહેલાં દર્શાવવી ફરજિયાત છે.
જો તમારી પાસે ૨% ચાર્જ માંગવામાં આવે તો શું કરવું?
પેમેન્ટ કરતી વખતે, કાર્ડ ટેપ કરતાં પહેલાં કે પિન એન્ટર કરતાં પહેલાં પીઓએસ (POS) મશીન પર અંતિમ રકમ ચોક્કસ ચકાસી લો. જો દુકાનદાર સ્પષ્ટ કારણ વિના ૨% વધારાનો ચાર્જ માંગે, તો તેની સામે વિરોધ નોંધાવો અને બિલમાં આ ચાર્જ અલગથી દર્શાવવા કહો. જો વેપારી દાદાગીરી કરે તો તમે તમારી કાર્ડ ઇશ્યુ કરનાર બેંકને તેમજ RBI ની સંકલિત લોકપાલ યોજના (Integrated Ombudsman Scheme) હેઠળ લેખિત ફરિયાદ નોંધાવી શકો છો.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
