તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
‘હિંસા નહીં, કાશ્મીરની કુદરતી સુંદરતા દર્શાવો’: ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનની ફિલ્મમેકર્સને ખાસ અપીલ!
જમ્મુ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ પ્રસંગે રહેમાને વ્યક્ત કરી લાગણી: ઘાટીમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટ યોજવાની અને નવા પ્રોજેક્ટ્સ કરવાની દર્શાવી ઈચ્છા

મુંબઈ : ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના માઈલસ્ટોન અને ઓસ્કાર વિજેતા જાણીતા સંગીતકાર એ.આર. રહેમાને બોલિવૂડ અને વિશ્વભરના ફિલ્મમેકર્સને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. હાલમાં કાશ્મીરના પ્રવાસે આવેલા રહેમાને મીડિયા સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, સિનેમાના પડદા પર કાશ્મીરની ભૂતકાળની હિંસા કે સમસ્યાઓ દર્શાવવાને બદલે તેની અદભૂત કુદરતી સુંદરતા, સમૃદ્ધ સંસ્કૃતિ અને શાંતિને પ્રાધાન્ય આપવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અંગે વાત કરતાં રહેમાને તેને એક શાનદાર પહેલ ગણાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ફેસ્ટિવલ કાશ્મીરને વૈશ્વિક ઓળખ અપાવશે અને વિશ્વભરના કલાકારો તેમજ નિર્માતાઓ માટે કાશ્મીર એક પ્રિય સ્થળ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય અને મનમોહક વાતાવરણ કલાત્મક સર્જન માટે શ્રેષ્ઠ છે.
કાશ્મીરના પરંપરાગત લોકસંગીત પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા સંગીતકારે યાદ અપાવ્યું હતું કે તેઓ તેમની સુપરહિત ફિલ્મ 'રોકસ્ટાર'ના સંગીત માટે પણ કાશ્મીર આવ્યા હતા અને સ્થાનિક લોકગીતો રેકોર્ડ કર્યા હતા. તેમણે ટૂંક સમયમાં જ કાશ્મીરની રમણીય ઘાટીમાં એક ભવ્ય લાઈવ મ્યુઝિક કોન્સર્ટ યોજવાની અને અહીં વધુ સંશોધનાત્મક પ્રોજેક્ટ્સ કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
