News of Thursday, 26th November 2026
અંતિમયાત્રા માટે હવે ચાર કાંધ આપીને શ્રાદ્ધ કરવાની સર્વિસ મળશે, ૬૦૦૦ રૂપિયાથી ૧.૫ લાખ રૂપિયાનું પેકેજ
અંતિમ વિદાયની વ્યવસ્થા માટે એક નવા પ્રકારની સર્વિસ આકાર લઈ રહી છે ભારત મંડપમમાં ચાલી રહેલા પિસ્તાળીસમા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં મોક્ષ વોયેજ નામના સ્ટોલની સર્વિસ લોકોને ચોંકાવી રહી છે

નવી દિલ્હી તા.૨૬: મોટાં શહેરોમાં હવે પાછલી જિદગીમાં એકલા રહેતા લોકોની સંખ્યા વધી ગઈ છે. પરિવાર સાથે રહેતા લોકોને પણ હવે સંબંધો માટે પૂરતો સમય નથી મળતો. એવામાં અંતિમ વિદાયની વ્યવસ્થા માટે એક નવા પ્રકારની સર્વિસ આકાર લઈ રહી છે.
દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા પિસ્તાળીસમા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં મોક્ષ વોયેજ નામના સ્ટોલની સર્વિસ લોકોને ચોંકાવી રહી છે. આ સર્વિસ અંતિમ યાત્રા માટે વાહન, પાર્થિવ ઉપાડવા માટે ચાર વ્યક્તિઓના ખભા, પંડિત, અંતિમ સંસ્કારની તમામ સામગ્રી, અસ્થિવિસર્જન અને એની સાથે શ્રાદ્ધકર્મ સુધીની તમામ સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ પહેલ માટે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
નમો ગંગે વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ થયેલી મોક્ષ વોયેજ સર્વિસ હાલમાં દિલ્હી અને આસપાસનાં શહેરોમાં સર્વિસ આપે છે. સર્વિસ-પ્રોવાઇડરનું કહેવું છે કે પ્રિયજનના મૃત્યુ સમયે અંતિમ સંસ્કારની વ્યવસ્થાઓની ભાગદોડ ન કરવી પડે એ માટે આ સર્વિસ શરૂ થઈ છે. આ સર્વિસમાં પાર્થિવ દેહને ઘરેથી સ્મશાન સુધી લાવવાથી માંડીને અસ્થિવિસર્જન કરીને શ્રાદ્ધ કરવા સુધીનું પેકેજ હોય છે.
કંપનીના ડિરેક્ટર વિશ્વ કંદર્પનું કહેવું છે કે ‘કેટલાક લોકોએ તો જીવતેજીવ અમારી પાસે તેમની અંતિમ યાત્રાની વ્યવસ્થા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એનું કારણ એ છે કે વૃદ્ધોને લાગે છે કે તેમના ગયા પછી સંતાનો પૂરું ધ્યાન નહીં આપે. અમે કોઈ પણ સંજોગોમાં કે દેશવિદેશમાં મૃત્યુ થવા પર પાર્થિવ દેહને ભારત લાવવાની સર્વિસ પણ પ્રોવાઇડ કરીએ છીએ.' વિવિધ પ્રકારનાં પેકેજમાં ૬૦૦૦ રૂપિયાથી લઈને ૧.૫ લાખ રૂપિયા સુધીનું પેકેજ આ કંપનીએ લોન્ચ કરેલું છે. શહેરના જીવનમાં બદલાતા સંબંધોનું આ સ્વરૂપ અસહજ કરી દે એવું છે.
ખુશીના અવસરે જાનમાં નાચનારા જાનૈયાઓ ભાડે લાવવાની વાતને આપણો સમાજ પચાવી ચૂક્યો છે, પણ દુઃખના પ્રસંગે ચાર કાંધ આપનારા ભેગા કરવાનું મુશ્કેલ થાય અને એ માટે પેઇડ સર્વિસ શરૂ કરવી પડે એ સમાજ તરીકે ઊંડો વિચાર કરવા પ્રેરે એવી સ્થિતિ છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
