તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારી સરકારની ધાક: CM બનતા જ એક્શન મોડમાં, મંદિર-મસ્જિદ પર લાઉડસ્પીકર વગાડવા પર મૂક્યો કડક પ્રતિબંધ!
"કાયદો બધા માટે સમાન": અવાજ પ્રદૂષણ રોકવા હાઈકોર્ટના નિયમોનું કડક પાલન કરવા પોલીસને આદેશ; ગેરકાયદે ટોલ નાકાઓ પર પણ બુલડોઝર ફેરવવાની તૈયારી

કોલકાતા, તા.૧૩: પશ્ચિમ બંગાળમાં સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આકરા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. વહીવટી તંત્રને સુધારવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાના આશયથી સરકારે રાજ્યમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નવા નિયમો મુજબ, હવે ધાર્મિક સ્થળો કે જાહેર કાર્યક્રમોમાં મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ડેસિબલ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશ પોલીસ વિભાગને આપી દેવામાં આવ્યા છે.
ધાર્મિક સ્થળો માટે સમાન નિયમ
શુભેન્દુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ધ્વનિ પ્રદૂષણ સંબંધિત કાયદાઓ કોઈ પણ ભેદભાવ વગર દરેક ધર્મ અને જ્ઞાતિ માટે સમાન રીતે લાગુ પડશે. પછી તે મંદિર હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ, નિર્ધારિત મર્યાદા વટાવતા જ પોલીસ તાત્કાલિક પગલાં લેશે. જાહેર શાંતિ જાળવવા અને વૃદ્ધો તેમજ વિદ્યાર્થીઓને અવાજથી થતી પરેશાની રોકવા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
ગેરકાયદે 'ટોલ વસૂલી'ના ગોરખધંધા પર તરાપ
લાઉડસ્પીકર ઉપરાંત, સરકારે રાજ્યમાં ચાલતા અનધિકૃત ટોલ નાકાઓ અને બેરિકેડ્સ સામે પણ મોરચો ખોલ્યો છે. રાજ્યભરમાં હાઈવે કે અન્ય રસ્તાઓ પર ઉભા કરાયેલા ગેરકાયદે ડ્રોપ ગેટ અને બેરિકેડ્સ તાત્કાલિક અસરથી હટાવવા જિલ્લા મેજિસ્ટ્રેટોને સૂચના અપાઈ છે. માત્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટોલ બૂથ જ ચાલુ રહેશે, જેથી સામાન્ય જનતા પર પડતો ગેરકાયદે આર્થિક બોજ ઓછો થાય અને વાહન વ્યવહાર વધુ સરળ બને.
વહીવટી પારદર્શિતા પર ભાર
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા પ્રશાસનને તાકીદ કરી છે કે તેમના વિસ્તારમાં ફરીથી ગેરકાયદે વસૂલીના અડ્ડાઓ ઉભા ન થાય તેની ખાતરી કરવામાં આવે. બંગાળમાં થયેલા આ સત્તા પરિવર્તન બાદ લેવામાં આવેલા આ કડક પગલાંને જનતા આવકારી રહી છે. વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને સામાન્ય નાગરિકોને વસૂલીખોરોથી મુક્તિ અપાવવા માટે શુભેન્દુ અધિકારીની આ 'એક્શન' અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
