<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

સિબ્‍બલે પક્ષપલટા વિરોધી કાયદાને સુપ્રીમમાં પડકાર્યો

સુપ્રીમે કેન્‍દ્રને નોટિસ પાઠવી જવાબ માંગ્‍યો : છેલ્‍લા કેટલાક સમયમાં નાના પક્ષો તૂટીને મોટા પક્ષમાં ભળી ગયા તેને લઈ કેસ કરાયો

નવી દિલ્‍હી,તા.૨૮: સુપ્રીમ કોર્ટે સોમવારે બંધારણીય જોગવાઈની ૧૦મી અનુસૂચિની વ્‍યાખ્‍યાને પડકારનારી કપિલ સિબ્‍બલની અરજી પર કેન્‍દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્‍યો છે. વાસ્‍તવમાં આ અનુસૂચિ હેઠળ કોઈ રાજકીય જૂથ અન્‍ય રાજકીય પક્ષમાં વિલયનો રસ્‍તો અપનાવીને વિધાનસભા પક્ષના પક્ષપલટા ધારા હઠળ અયોગ્‍ય ઠરવાથી બચી જાય છે. આ અરજીમાં વરિષ્ઠ વકીલ સિબ્‍બલ પોતે પક્ષકાર બન્‍યા છે

ન્‍યાયાધીશ પીએસ નરસિંહા અને ન્‍યાયાધીશ આલોક અરાઘેની બેન્‍ચે સિબ્‍બલની અરજી પર કેન્‍દ્રને નોટિસ જારી કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્‍યું છે કે આ મામલામાં ઉઠાવવામાં આવેલા ઘણા મુદ્દાઓ પર સંસદને વિચાર કરવાની જરૂર પડી શકે છે.

સિબ્‍બલની દલીલ છે કે આ મુદ્દો આપણા રાજકારણ પર મોટી અસર પાડી શકે છે. આ વ્‍યાખ્‍યાના લીધે કોઈ લઘુમતી પાર્ટી બહુમતીવાળી પાર્ટી બની શકે છે અથવા બહુમતવાળો પક્ષ લઘુમતી પક્ષ બની શકે છે.

બેન્‍ચે જણાવ્‍યું હતું કે દસમી અનુસૂચિ જે વિધાનસભ્‍યોના પક્ષપલટાને અંકુશમાં લાવે છે તે સંસદ દ્વારા બનાવવામાં આવી હતી. તેથી તેના માટે યોગ્‍ય પદ્ધતિ નક્કી કરવાનું કામ સંસદીય પ્રણાલિનું છે. સિબ્‍બલે કોર્ટને એમ પણ જણાવ્‍યું હતું કે ગોવામાં પક્ષપલટા સાથે જોડાયેલો આવો જ કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. તેના પછી બેન્‍ચે સિબ્‍બલની અરજીને ગોવા વાળા કેસ સાથે જોડી  દીધી.અરજીમાં તે વાત પર સ્‍પષ્ટતા માંગવામાં આવી છે કે શું વર્તમાન વ્‍યાખ્‍યા હેઠળ પક્ષપલટા ધારાની  અયોગ્‍યતા લાગુ કર્યા વગર વિલયની જોગવાઈ લાગુ કરી સંસદ અને રાજ્‍ય વિધાનસભાઓની રચનામાં ફેરફારની છૂટ છે.(

(1:44 PM IST)