તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સોના-ચાંદીના બજારમાં તેજીના સંકેત : અક્ષય તૃતીયા પૂર્વે કેન્દ્ર સરકારે 15 બેંકો માટે આયાતના દ્વાર ખોલ્યા : આગામી ત્રણ વર્ષ સુધી સપ્લાય રહેશે અવિરત
SBI, HDFC અને એક્સિસ સહિતની બેંકોને 2029 સુધીના લાઈસન્સ ફાળવાયા : કિંમતોમાં 15 ટકાનો ઘટાડો અને સરકારના આ નિર્ણયથી જ્વેલરી માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટવાની શક્યતા

નવી દિલ્હી : દેશભરમાં અક્ષય તૃતીયાના પર્વે સોનાની ખરીદીના વિશેષ મહાત્મ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જ્વેલરી ઉદ્યોગ અને ગ્રાહકોના હિતમાં એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. બજારમાં સોના-ચાંદીની અછત ન વર્તાય તે હેતુથી સરકારે દેશની 15 અગ્રણી બેંકોને આગામી ત્રણ વર્ષ માટે આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. આ પગલાને કારણે જ્વેલર્સ પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેશે, જેથી તહેવારોની સીઝનમાં ગ્રાહકોને તેમની પસંદગી મુજબની જ્વેલરી મેળવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.
ત્રણ વર્ષ માટે લાઈસન્સની અવધિ નક્કી કરાઈ:
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી યાદી મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક, એક્સિસ બેંક અને બેંક ઓફ ઈન્ડિયા સહિતની 15 અગ્રણી બેંકોને 1લી એપ્રિલ 2026થી 31 માર્ચ 2029 સુધી સોનું તથા ચાંદી આયાત કરવા માટેના લાઈસન્સ ફાળવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મંજૂરીમાં વિલંબ થવાને કારણે બેંકોની આયાત પર નિયંત્રણો હતા, જે હવે દૂર થતા બજારમાં સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે.
આયાત માટે મંજૂરી મેળવનાર બેંકોની યાદી:
સરકારે જાહેર ક્ષેત્રની, ખાનગી અને વિદેશી બેંકોને વિવિધ કેટેગરીમાં આયાતની છૂટ આપી છે:
* જાહેર ક્ષેત્રની બેંકો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવર્સિસ બેંક.
* ખાનગી ક્ષેત્રની બેંકો: HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, યસ બેંક, કરુર વૈશ્ય બેંક અને RBL બેંક.
* વિદેશી બેંકો: ડ્યુશ બેંક અને ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ.
આ ઉપરાંત, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને રશિયાની સ્બેરબેંક (Sberbank) ને પણ આ અવધિ માટે મંજૂરી મળી છે, જોકે તેઓ માત્ર સોનાની જ આયાત કરી શકશે.
ગ્રાહકો માટે ખરીદીનો શ્રેષ્ઠ સમય:
બજારના વિશ્લેષકોના મતે, આ નિર્ણય ડબલ ફાયદો લઈને આવ્યો છે. એક બાજુ બેંકોને મળેલી મંજૂરીથી બજારમાં સોનાની ઉપલબ્ધતા વધશે, તો બીજી બાજુ વૈશ્વિક કારણોસર સોનાની કિંમતોમાં અંદાજે 15 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ સમયસરના નિર્ણયથી અક્ષય તૃતીયા પર ગ્રાહકોને વ્યાજબી ભાવે અને વધુ સારા વિકલ્પો સાથે સોનું ખરીદવાની તક મળશે. જ્વેલર્સ પાસે પૂરતો સ્ટોક રહેવાથી પ્રીમિયમમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર સકારાત્મક રીતે પડશે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
