તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
સાઇલેન્ટ કિલર: ભારતમાં પ્રતિબંધિત થનારું ઘાતક રસાયણ 'પેરાક્વાટ ડાયક્લોરાઇડ' મનુષ્યો માટે કેમ છે કાળ સમાન?
કોઈ એન્ટિડોટ ન હોવાના કારણે આ જંતુનાશકની એક નાની ભૂલ પણ સીધું મોત નોતરે છે : ભારત સરકારે જંતુનાશકો અધિનિયમ હેઠળ ઉત્પાદન અને વેચાણ પર લાદ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ભારત સરકારે ખેતીમાં નીંદણ નાશક તરીકે વ્યાપકપણે વપરાતા અત્યંત ઝેરી રસાયણ 'પેરાક્વાટ ડાયક્લોરાઇડ' ના ઉત્પાદન, આયાત અને વેચાણ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જંતુનાશક અધિનિયમ, ૧૯૬૮ ની કલમ ૨૭ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી કૃષિ ક્ષેત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ ઘાતક હર્બિસાઇડ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા હતા, કારણ કે આ રસાયણના ઝેરને શરીરમાંથી નાબૂદ કરવા માટે તબીબી વિજ્ઞાન પાસે હજુ સુધી કોઈ તોડ અથવા મારણ ઉપલબ્ધ નથી.
આ રસાયણ ખેતરોમાં નીંદણને તો ઝડપથી બાળી નાખે છે, પરંતુ મનુષ્યો માટે તે એટલું જ ક્રૂર સાબિત થાય છે. ખેતરમાં છંટકાવ દરમિયાન જો આ રસાયણ શ્વાસ દ્વારા કે ત્વચાના સંપર્કમાં આવીને શરીરમાં પ્રવેશે, તો તે ફેફસાં, કિડની, લીવર અને હૃદય જેવા મહત્વના અંગોને સીધું જ નષ્ટ કરવાનું શરૂ કરે છે. ગણતરીની મિનિટોમાં મોં-ગળામાં બળતરા, લોહીની ઉલટી, લો બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં અતિશય તકલીફ જેવા જીવલેણ લક્ષણો દેખાવા લાગે છે, જે દર્દીને બચવાની કોઈ તક આપ્યા વિના મોતના મુખમાં ધકેલે છે.
સરકારે આ પ્રતિબંધ અંગે હિતધારકો માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે, જેમાં વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. જો કોઈ નક્કર વાંધો રજૂ નહીં થાય, તો આ સમયગાળો પૂર્ણ થતાં જ પેરાક્વાટ ડાયક્લોરાઇડ ભારતમાં કાયમી ધોરણે સંપૂર્ણ પ્રતિબંધિત થઈ જશે. વિશ્વના ૭૦ થી વધુ દેશોમાં આ રસાયણ પહેલાથી જ પ્રતિબંધિત છે, અને હવે ભારતે પણ ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષા કાજે આ ઐતિહાસિક અને આવકારદાયક સૈદ્ધાંતિક પગલું ભર્યું છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
