<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

સુવેન્દુ અધિકારીના પીએની હત્યામાં 'સિલિગુડી કનેક્શન': કિલરોએ વાપરી હતી ફેક નંબર પ્લેટ, ઓનલાઈન કાર વેચવા મુકનાર નિર્દોષ યુવકની પોલીસે કરી કલાકો સુધી પૂછપરછ!

કોલકાતામાં ભાજપ નેતાના અંગત મદદનીશની કરપીણ હત્યાથી ખળભળાટ: શંકાસ્પદ કારના નંબર પ્લેટનું રહસ્ય ખુલ્યું, SIT એ તપાસનો ધમધમાટ તેજ કર્યો

સિલિગુડી: પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના અત્યંત નજીકના સાથી અને પીએ (PA) ચંદ્રનાથ રથની ગઈકાલે રાત્રે મધ્યમગ્રામમાં થયેલી હત્યાએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની તપાસમાં હવે 'સિલિગુડી કનેક્શન' સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં સિલિગુડીના શિવ મંદિર વિસ્તારમાં રહેતા વિલિયમ જોસેફ નામના યુવકની અટકાયત કરી કલાકો સુધી પૂછપરછ કરી હતી.
કાર વેચવાની જાહેરાત પડી ભારે
તપાસમાં બહાર આવ્યું છે કે, હુમલાખોરોએ જે કારનો ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટ વિલિયમ જોસેફની કારની હતી. જોકે, વિલિયમે પોલીસને જણાવ્યું હતું કે તેણે પોતાની કાર વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર જાહેરાત આપી હતી. કદાચ હત્યારાઓએ ત્યાંથી જ તેની કારનો રજીસ્ટ્રેશન નંબર ચોરીને તેનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. આશરે ત્રણ કલાકની સઘન તપાસ બાદ પોલીસે વિલિયમને મુક્ત કર્યો હતો, પરંતુ તેને તપાસમાં સહકાર આપવાની ખાતરી આપવા જણાવાયું છે.
ફેક નંબર પ્લેટનો ખેલ
બંગાળના DGP સિદ્ધનાથ ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે હુમલાખોરોએ ગુનામાં વપરાયેલી કાર પર નકલી નંબર પ્લેટ લગાવી હતી. હત્યારાઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પૂરતું આયોજન કરીને આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપ નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.
SIT ના રડાર પર અનેક શંકાસ્પદો
ચંદ્રનાથ રથની હત્યા પાછળ રાજકીય કારણો છે કે અંગત અદાવત, તે જાણવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. પોલીસ અત્યારે રસ્તા પરના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે હુમલાખોરો સુધી પહોંચવા મથામણ કરી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધી ગણાતા સુવેન્દુ અધિકારીના પીએની હત્યા થવી એ સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની ગયો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

(8:51 PM IST)