<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ચાંદીની દાણચોરીમાં ૧૦ ગણો તો સોનામાં ૧૮૬%નો જંગી વધારો

૧૩ મેથી ૩૦ જૂન દરમિયાન સોનાની દાણચોરીના ૨૮૭ કેસ નોંધાયા હતા : સરકારે ૧૨ મેના રોજ સોના અને ચાંદી પર આયાત ડયુટીમાં વધારો કર્યો હતોઃ ૧૬૦.૯૧ ટન સોનું પકડાયું, ૧૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્‍હી,તા.૨૩: સોના અને ચાંદીની દાણચોરીમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે. ૧૨ મેના રોજ, સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્‍યુટી ૬% થી વધારીને ૧૫% કરી. ઈરાન યુદ્ધ દરમિયાન સરકારે વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આ પગલું ભર્યું હતું. ભારત ચીન પછી વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. ભારત મુખ્‍યત્‍વે જ્‍વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે મોટાભાગનું સોનું આયાત કરે છે. ગયા નાણાકીય વર્ષમાં, ભારતે $૭૨ બિલિયનનું સોનું અને $૧૨ બિલિયનનું ચાંદી આયાત કર્યું હતું.

જોકે, સોના અને ચાંદી પર આયાત જકાતમાં વધારાને કારણે દાણચોરીના કેસોમાં વધારો થયો છે. સરકારે પોતે આ વાત સ્‍વીકારી છે. વાણિજ્‍ય અને ઉદ્યોગ રાજ્‍યમંત્રી જાિતિન પ્રસાદે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્‍યું હતું કે આ વર્ષે ૧૩ મે થી ૩૦ જૂન દરમિયાન સોનાની દાણચોરીના ૨૮૭ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, ૧૬૦.૯૧ ટન સોનું જપ્ત કરવામાં આવ્‍યું હતું અને ૧૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સરકારના જણાવ્‍યા અનુસાર, ૧ એપ્રિલથી ૧૨ મે દરમિયાન દેશમાં સોનાની દાણચોરીના ૧૬૫ કેસ મળી આવ્‍યા હતા. આ સમયગાળા દરમિયાન, ૮૬.૧૬ ટન સોનું જપ્ત કરવામાં આવ્‍યું હતું અને ૬૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમ, ૧૩ મે થી ૩૦ જૂન દરમિયાન જપ્ત કરાયેલા સોનાના માલની સંખ્‍યામાં ૧ એપ્રિલ થી ૧૨ મે દરમિયાનના સમયગાળાની સરખામણીમાં ૧૮૬%નો વધારો થયો છે.

ચાંદીના કિસ્‍સામાં, ૧૩ મે થી ૩૦ જૂન દરમિયાન દાણચોરીના ૧૬ કેસ મળી આવ્‍યા હતા. આ સમયગાળા દરમિયાન, ૫૩૫.૯૨ ટન ચાંદી જપ્ત કરવામાં આવી હતી, જે ૧ એપ્રિલ થી ૧૨ મે દરમિયાન જપ્ત કરાયેલી રકમ (૪૯.૫૩ ટન) કરતા ૧૦ ગણી વધારે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ફક્‍ત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૪-૨૫ ની સરખામણીમાં ૨૦૨૫-૨૬ માં સોના અને ચાંદીની દાણચોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

સોનાની દાણચોરીને રોકવા માટે સરકારે ૨૦૨૪ માં આયાત ડ્‍યુટી ઘટાડી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે સોના અને ચાંદી પરની આયાત ડ્‍યુટી ૧૫% થી ઘટાડીને ૬% કરી હતી. જોકે, મે મહિનામાં આયાતમાં વધારો દાણચોરીમાં વધારો ચિતાનું કારણ હતું. ભારતમાં આવતું મોટાભાગનું સોનું દુબઈ, થાઈલેન્‍ડ, સિગાપોર, બેંગકોક, ગલ્‍ફ દેશો, આફ્રિકન દેશો વગેરેમાંથી દાણચોરી કરીને લાવવામાં આવે છે. આ દેશોમાં સોનું સસ્‍તું છે.

(2:55 PM IST)