તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
'સાહેબ, પ્લીઝ રજા લો!': સ્વિટ્ઝર્લૅન્ડનું ઑફિસ કલ્ચર જોઈને ભારતીય ટેકીઝ અને કૉર્પોરેટ કર્મચારીઓ ચોંક્યા; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી વર્ક-લાઈફ બેલેન્સની કહાની!
૧૨ કલાક કામ કરવું એ વફાદારી નહીં પણ ખરાબ પ્લાનિંગ ગણાય છે; સીઈઓ પણ કાફેટેરિયામાં જાતે પોતાની કોફી બનાવે છે, પોસ્ટ પર ઇન્ટરનેટ યુઝર્સનું ભારે ટ્રોલિંગ

મુંબઈ : ભારતમાં સામાન્ય રીતે કૉર્પોરેટ ઑફિસોમાં મોડે સુધી બેસી રહેવું, બોસના સમય વગરના ફોન કોલ્સ એટેન્ડ કરવા અને રજાઓ બચાવીને કામ કરવું એ વફાદારી અને સમર્પણની નિશાની માનવામાં આવે છે. પરંતુ યુરોપના સુંદર દેશ સ્વિટ્ઝર્લૅન્ડનું ઑફિસ કલ્ચર આનાથી તદ્દન ઉલટું અને ભારતીયો માટે આશ્ચર્યજનક છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિમરન ખોખા નામની યુઝર દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં સ્વિસ ઑફિસ કલ્ચરની એવી વાતો રજૂ કરવામાં આવી છે જેણે ભારતીય પ્રોફેશનલ્સને વિચારતા કરી દીધા છે.
આ પોસ્ટમાં સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારતની કાર્યસ્થળ સંસ્કૃતિ (Workplace Culture) વચ્ચેનો મોટો તફાવત દર્શાવવામાં આવ્યો છે.
ઓવરટાઇમ વફાદારી નહીં, નબળું આયોજન છે!
વાયરલ પોસ્ટ અનુસાર, સ્વિસ ઑફિસોમાં સમયપાલનનું અત્યંત કડક પાલન થાય છે. જો મીટિંગનો સમય નક્કી હોય, તો તે એક મિનિટ પણ મોડી શરૂ થતી નથી. ત્યાં થોડી મિનિટો મોડા પડવું એ પણ ભારે અવાવસાયિક (Unprofessional) ગણાય છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે, ત્યાં કર્મચારીઓનું મૂલ્યાંકન ઑફિસની ખુરશી પર વિતાવેલા કલાકોના આધારે નહીં, પણ તેમના કામની ક્વોલિટી પર થાય છે. જો કોઈ કર્મચારી રોજ ૧૨-૧૨ કલાક ઑફિસમાં બેસી રહે, તો તેને મહેનતુ માનવાને બદલે તેનું પ્લાનિંગ ખરાબ છે અથવા તેના પર કામનું ભારણ અવાસ્તવિક છે તેમ ગણવામાં આવે છે.
મેનેજર્સ સામેથી કહે છે- 'રજા લો અને વેકેશન માણો'
ભારતમાં જ્યાં રજા મંજૂર કરાવવા માટે કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડે છે, ત્યાં સ્વિટ્ઝર્લૅન્ડમાં મેનેજરો પોતાના હાથ નીચેના કર્મચારીઓને સામેથી યાદ અપાવે છે કે તેઓ પોતાની વાર્ષિક રજાઓનો ઉપયોગ કરે અને વેકેશન પર જાય. ઑફિસનો સમય પૂરો થયા પછી કોઈ સાથી કર્મચારી કે બોસ ફોન કરતા નથી, કારણ કે ત્યાં દરેકના અંગત સમય (Personal Time) નો ભારે આદર કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી એમ કહે કે તેની પાસે ઘણું કામ છે, તો તેને ફરિયાદ નહીં પણ જવાબદાર સંવાદ માનવામાં આવે છે.
ઑફિસમાં સીઈઓ અને ઇન્ટર્ન બંને સમાન
આ પોસ્ટમાં સ્વિસ ઑફિસની સમાનતા વિશે પણ આશ્ચર્યજનક દાવો કરાયો છે. ત્યાં ઑફિસના સીઈઓ (CEO) પણ કાફેટેરિયા જેવા સામાન્ય વિસ્તારમાં બીજા સામાન્ય કર્મચારીઓની જેમ જ લાઈનમાં ઉભા રહે છે. ત્યાં કોઈ જુનિયર કે ઇન્ટર્ન પાસેથી સિનિયર્સ માટે કોફી બનાવવાની કે પર્સનલ કામ કરાવવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. એટલું જ નહીં, જો તમારી પાસે મજબૂત તથ્યો (Facts) હોય, તો મીટિંગ દરમિયાન તમે બોસ અથવા મેનેજરના નિર્ણય સામે ખુલ્લેઆમ અસંમતિ પણ વ્યક્ત કરી શકો છો.
ઇન્ટરનેટ પર શરૂ થઈ મોટી ચર્ચા
આ વાયરલ પોસ્ટ પર હજારો ભારતીય યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા લોકોએ કટાક્ષ કરતા લખ્યું કે, "આવું કલ્ચર ભારતમાં આવી જાય તો સ્વર્ગ બની જાય!" તો કેટલાક યુઝર્સે વાસ્તવિકતા સ્વીકારતા જણાવ્યું કે, ભારતમાં પણ કેટલીક મોટી મલ્ટીનેશનલ કંપનીઓ (MNCs) માં હવે આવું હેલ્ધી વર્ક એન્વાયરમેન્ટ જોવા મળી રહ્યું છે. જો કે, પોસ્ટના સર્જકે સ્પષ્ટ કર્યું છે કે સ્વિટ્ઝર્લૅન્ડની દરેક કંપનીમાં આવું જ હોય તે જરૂરી નથી, પરંતુ મોટાભાગના સ્વિસ પ્રોફેશનલ્સ આવો જ સકારાત્મક અનુભવ ધરાવે છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
