<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કાંડમાં SITનો મોટો ખુલાસો: રોકડ ગણતરીમાં જોડાયેલા 3 આરોપી 6 મહિનામાં બન્યા કરોડપતિ : ફ્લેટ-જમીન-ગાડીઓ વસાવી

અયોધ્યા રામમંદિર ટ્રસ્ટની દાનપેટીની રોકડ ગણતરી કરતી ટીમના મનોજ તિવારી, રાકેશ ગુપ્તા અને સુનિલ શર્માની સંપત્તિમાં અચાનક ધરખમ વધારો, SITએ બેંક ખાતા ફ્રીઝ કર્યા, લખનઉ-અયોધ્યામાં કરોડોની મિલકતના દસ્તાવેજો જપ્ત, CCTV ફૂટેજ બન્યા મહત્વના પુરાવા, વધુ 5 શંકાસ્પદોની પૂછપરછ

અયોધ્યા : અયોધ્યા રામમંદિર નિર્માણ માટે આવતા દાનમાં થયેલા કથિત કૌભાંડની તપાસ કરી રહેલી SIT ને મોટી સફળતા મળી છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દાનપેટીમાંથી નીકળતી રોકડની ગણતરી કરતી ટીમના 3 કર્મચારીઓ છેલ્લા 6 મહિનામાં જ રાતોરાત માલામાલ થઈ ગયા છે.

 

SITની તપાસમાં સામે આવ્યું છે કે કેશ કાઉન્ટિંગ વિભાગના કર્મચારી મનોજ તિવારી, રાકેશ ગુપ્તા અને સુનિલ શર્માએ જાન્યુઆરી 2026 પછી અયોધ્યા અને લખનઉમાં 3 ફ્લેટ, 5 વીઘા જમીન અને 2 લક્ઝરી કાર ખરીદી છે. આ ત્રણેયની કુલ સંપત્તિ અંદાજે 4.5 કરોડથી વધુની હોવાનું મનાય છે. જ્યારે આ ત્રણેયનો માસિક પગાર માત્ર 25 થી 30 હજાર રૂપિયા છે.

 

SIT અધિકારીઓના જણાવ્યા મુજબ, "આરોપીઓ દાનની ગણતરી દરમિયાન ચોક્કસ પદ્ધતિથી રોકડ રકમ સગેવગે કરતા હતા. કાઉન્ટિંગ રૂમના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસમાં તેમની મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ છે." પોલીસે ત્રણેયના ઘરે દરોડા પાડી મિલકતના દસ્તાવેજો, 18 લાખ રોકડા, લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા છે. ત્રણેયના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દેવાયા છે.

 

આ કેસમાં ટ્રસ્ટના વધુ 5 કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા SIT એ તેમની પૂછપરછ શરૂ કરી છે. રામમંદિર ટ્રસ્ટે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર કેશ હેન્ડલિંગ સિસ્ટમની ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાથી દેશભરના રામભક્તોમાં ભારે નારાજગી છે.

(2:10 PM IST)