<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

આસામમાં ભંયકર પૂરની સ્થિતિ હજુ ગંભીર :વધુ 7 લોકોના મોત થતાં મૃત્યુઆંક 75 પર પહોંચ્યો

રાજ્યના 3.32 લાખથી વધુ લોકો હજુ પણ પૂરની અસર હેઠળ: 7 જિલ્લાઓમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ :સરકાર દ્વારા રાહત તેમજ વળતર માટે વિશેષ પગલાં

આસામમાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂરની સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ 7 લોકોના મોત થતાં રાજ્યમાં આ વર્ષે પૂરને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જોકે અગાઉની સરખામણીએ પ્રભાવિત લોકોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં તાજેતરમાં પણ રાજ્યના 3.32 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારને આપવામાં આવતી આર્થિક સહાય વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે. સાથે જ વળતર પ્રક્રિયાને સરળ બનાવવા માટે નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, શિવસાગર, ચરાઈદેવ ,ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ, સોનિતપુર અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત કુલ 7 જિલ્લાઓ હજુ પણ પૂરની ગંભીર અસર હેઠળ છે. આ જિલ્લાઓના 21 મહેસૂલ વર્તુળો અને કુલ 622 ગામોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.

પૂરની સૌથી વધુ અસર ચરાઈદેવ જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 1.42 લાખ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ શિવસાગર જિલ્લામાં 97,074 લોકો અને જોરહાટ જિલ્લામાં 57,371 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. મંગળવારે શિવસાગરના નઝીરા (Nazira) મહેસૂલ વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા, જેના કારણે આ વર્ષે પૂર સંબંધિત મૃત્યુઆંક વધીને 75 થયો છે.

પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 81 રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં 32,477થી વધુ વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો છે. ઉપરાંત, જરૂરિયાતમંદ લોકોને ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે 34 રાહત વિતરણ કેન્દ્રો  પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

(12:33 AM IST)