<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ભારતમાં પ્રદર્શનકારીઓ સામે કથિત બળપ્રયોગ અંગે અમેરિકાના છ ડેમોક્રેટિક સાંસદોનો માર્ક રૂબિયોને પત્ર; ભારતીય અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવવા માગ

શાંતિપૂર્ણ દેખાવો દરમિયાન અટકાયત અને માનવાધિકાર ભંગના આરોપોની સ્વતંત્ર તપાસ કરાવવા રજૂઆત; અમેરિકામાં દેખાવકારોની કથિત દેખરેખ અંગે પણ ચિંતા !! : અગાઉ ડેમોક્રેટિક સાંસદ પ્રમિલા જયપાલની ટિપ્પણીઓને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારતની આંતરિક બાબતોમાં અસ્વીકાર્ય હસ્તક્ષેપ ગણાવ્યો હતો

વોશિંગ્ટન, તા. ૧૭ : અમેરિકાના છ ડેમોક્રેટિક સાંસદોએ વિદેશ સચિવ માર્કો રૂબિયોને પત્ર લખીને ભારતમાં પ્રદર્શનકારીઓ સામેની કથિત દમનકારી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સાથેની ચર્ચામાં અભિવ્યક્તિ અને શાંતિપૂર્ણ સભાના અધિકારનો મુદ્દો ઉઠાવવા જણાવ્યું છે.

 

ભારતમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શનો દરમિયાન કથિત વધુ પડતા બળપ્રયોગ તથા અટકાયતોનો મુદ્દો અમેરિકાના છ ડેમોક્રેટિક સાંસદોએ ઉઠાવ્યો છે. તેમણે ૧૬ ઑક્ટોબરે વિદેશ સચિવ માર્કો રૂબિયોને પત્ર મોકલી ભારતીય અધિકારીઓ સાથેની મુલાકાતમાં આ બાબતો અંગે ચર્ચા કરવા વિનંતી કરી હતી.

 

પત્ર લખનારાઓમાં જિમ મેકગવર્ન, પ્રમિલા જયપાલ, ઇલ્હાન ઓમર, રશિદા તલૈબ, એલિનોર હોમ્સ નોર્ટન અને જિસસ ગાર્સિયાનો સમાવેશ થાય છે. તેમણે પ્રદર્શનો દરમિયાન સામૂહિક અટકાયત, બળપ્રયોગ અને શાંતિપૂર્ણ સભા પર પ્રતિબંધના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

 

સાંસદોએ પોલીસ કાર્યવાહી સાથે સંકળાયેલા કથિત માનવાધિકાર ભંગની પારદર્શક અને સ્વતંત્ર તપાસની માગ કરી છે. અભિવ્યક્તિ તથા શાંતિપૂર્ણ સભાના અધિકારનો ઉપયોગ કરવા બદલ કાયદાથી વિરુદ્ધ અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવા પ્રોત્સાહિત કરવાની પણ રજૂઆત કરી હતી.

 

વધુમાં, અમેરિકાનાં શહેરોમાં ભારત સંબંધિત દેખાવોમાં ભાગ લેનારાઓની ભારતીય રાજદ્વારી મિશનો સાથે સંકળાયેલા લોકો દ્વારા કથિત દેખરેખના અહેવાલોની તપાસ માગવામાં આવી છે. અગાઉ પ્રમિલા જયપાલની ટિપ્પણીઓને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારતની આંતરિક બાબતોમાં અસ્વીકાર્ય હસ્તક્ષેપ ગણાવ્યો હતો. 

(9:36 AM IST)