<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ઉમરેઠ પેટાચૂંટણીમાં ધીમા મતદાનથી ચિંતા ૧ વાગ્‍યા સુધીમાં ૪૦% જેટલું મતદાન

ઉમરેઠની આ પેટાચૂંટણી ૪૬ ગામોમાં આવેલા કુલ ૩૦૬ મતદાન મથકો પર યોજાઈ રહી છે

આણંદ  તા.૨૩: આણંદ જિલ્‍લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રમાં ચાલી રહેલી પેટાચૂંટણી દરમિયાન મતદાનની ગતિ અપેક્ષા કરતા ધીમી જોવા મળતા રાજકીય માહોલમાં ચિતા વધી છે. વાસ્‍તવમાં આજે સવારથી જ મતદાન મથકો પર મતદારોની ઓછી હાજરીને કારણે તમામ પક્ષો અને ચૂંટણી તંત્ર સક્રિય બન્‍યા છે.

સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને જિલ્‍લા સ્‍તરે સંગઠન દ્વારા વોર્ડ પ્રમુખોને મતદારોને વધુમાં વધુ મતદાન માટે પ્રેરિત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અંદાજ મુજબ બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ૩૫ થી ૪૦ ટકા મતદાન કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. જોકે શરૂઆતના કલાકોમાં મતદાનની ગતિ ધીમી રહી હતી અને ૧૧ વાગ્‍યા સુધીમાં આશરે ૨૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

નોંધનીય છે કે, ઉમરેઠની આ પેટાચૂંટણી ૪૬ ગામોમાં આવેલા કુલ ૩૦૬ મતદાન મથકો પર યોજાઈ રહી છે. સમગ્ર પ્રક્રિયા પર કડક નજર રાખવા માટે ઓડ ખાતે જિલ્‍લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત છે, જ્‍યાંથી સતત મોનિટરિગ કરવામાં આવી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્‍ત જનરલ ઓબ્‍સર્વર માતા દિન મીણા તેમજ જિલ્‍લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી સમગ્ર પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

આ વખતે પ્રથમવાર તમામ ૩૦૬ બૂથ પર વેબ કાસ્‍ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેના કારણે દરેક મતદાન મથકની રિયલ ટાઈમ દેખરેખ શક્‍ય બની છે. સાથે જ વડીલો અને દિવ્‍યાંગ મતદારો માટે ખાસ વાહન વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. ગરમીને ધ્‍યાનમાં રાખીને દરેક મતદાન મથક પર પાણીની વ્‍યવસ્‍થા તેમજ મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. પ્રશાસનનો ઉદ્દેશ મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ, પારદર્શક અને સુવિધાજનક રીતે પૂર્ણ કરવાનો છે

(3:42 PM IST)