News of Thursday, 5th November 2026
નાના વેપારીઓએ પણ હવેથી ઈ-ઈનવોઈસ બનાવવું પડશે
આવતા વર્ષથી પ્રાયોગિક ધોરણે સમગ્ર દેશમાં તેનો અમલ કરવા માટે કવાયત બોગસ બિલિંગને અટકાવવા માટે તમામ ગ્રાહકોને ઇ-ઇનવોઇસ ફરજિયાત આપવું પડશે

નવી દિલ્હી, તા. પ : ઈ-ઈનવોઈસને કારણે બોગસ બિલિંગના કેસમાં ઘટાડો થયો હોવાનું જીએસટી વિભાગના અધિકારીઓને ધ્યાને આવ્યું છે. તેના કારણે આગામી એક એપ્રિલ ૨૦૨૭થી સમગ્ર દેશમાં ગ્રાહક દ્વારા કોઈ પણ દુકાન પરથી વસ્તુની ખરીદી કરવામાં આવે તો તેને ઈ-ઈનવોઈસ આપવા માટેનો નિયમ લાગુ કરવા માટેની વિચારણા કરવામાં આવી છે. તેમજ એક એપ્રિલ ૨૦૨૭થી પ્રાયોગિક ધોરણે તેની શરૂઆત પણ કરાવવામાં આવનાર છે. જોકે શરૂઆતના ચારથી છ મહિના સુધી તમામ વેપારીઓ આ નિયમનું પાલન કરે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. ત્યાં સુધી તેઓ સામે કોઈ પણ પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
પાંચ કરોડથી વધુ ટર્નઓવર હોય તેવા વ્યક્તિએ ફરજિયાત ઇ-ઈનવોઈસના આધારે જ કામગીરી કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે આ ઈ-ઈનવોઈસ વેપારી દ્વારા જ્યારે જીએસટી રિટર્ન ભરવામાં આવે ત્યારે તેના રિટર્નના ડેટામાં આપોઆપ ઓટો પોપ્યુલેટેડ થઈ જાય છે.
જેથી ઈ-ઈનવોઈસમાં આપેલી વિગતો રિટર્નમાં દેખાવા માંડે છે. આ કારણોસર બોગસ બિલિંગ સહિતની માથાકૂટમાંથી છુટકારો મળતો હોય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આગામી એક એપ્રિલ ૨૦૨૭થી નક્કી કરેલા સેક્ટરમાં ગ્રાહકને આપવામાં આવતું બિલ ફરજિયાત જીએસટી પોર્ટલ પરથી જ બનાવવાનો નિયમ લાવવામાં આવનાર છે. જોકે તેની શરૂઆત હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિતનાઓના લાગુ કરવામાં આવનાર છે. આ માટેની કવાયત હાથ ધરી દેવામાં આવી છે. જેથી તબક્કાવાર લાગુ કરવામાં આવનાર છે.
નિયમ લાગુ કરવા પાછળનાં મુખ્ય કારણો
રોકડ વ્યવહારો અને કરચોરી પર લગામ : રિટેલ સેક્ટરમાં (ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોટા સ્ટોર્સમાં) રોકડમાં થતા મોટા વ્યવહારો ચોપડે દર્શાવવામાં આવતા નથી અથવા ખોટા બિલ બનાવીને જીએસટીની ચોરી કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસિંગથી દરેક ટ્રાન્ઝેક્શન તાત્કાલિક સિસ્ટમમાં નોંધાશે.
રિટર્ન સાથે સીધું મેચિંગ : ગ્રાહકને અપાતું બિલ સીધું જીએસટી પોર્ટલ સાથે લિંક થશે. પરિણામે, વેપારી વાસ્તવિક વેચાણ કરતાં ઓછું વેચાણ દર્શાવીને જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં.
બોગસ બિલિંગ અને નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ડામવા : ખોટા બિલો બનાવીને ગેરકાયદેસર આઇટીસી મેળવવાના કૌભાંડો રોકવા માટે દરેક ખરીદ-વેચાણનું ડિજિટલ ટ્રેઇલ હોવું જરૂરી છે.
ટેક્સ બેઝ અને સરકારી આવકમાં વધારો : રિટેલ સ્તરે થતી ખામીઓ દૂર થવાના કારણે સરકારની જીએસટી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને અસંગઠિત વ્યવહારો પણઔપચારિક અર્થતંત્રમાં જોડાશે.
બોગસ બિલિંગ અટકે તો સરકારની આવક વધે
જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં વિભાગ માટે સૌથી વધુ સમસ્યા બોગસ બિલિંગની છે. આ નેટવર્કને અટકાવવામાં વિભાગ દ્વારા અનેક પગલા ભરવામાં આવતા હોવા છતાં કૌભાડીઓ દ્વારા નવો રસ્તો શોધી કાઢવામાં આવતો હોય છે. તેના કારણે જ ઇ-ઇનવોઇસ લાગુ કરવામાં આવે તો બોગસ બિલિંગનું દુષણ અટકી શકે તેમ છે. જો આ દુષણ અટકે તો સરકારની આવકમાં સીધો ૨૦ હજાર કરોડનો વધારો થવાની શકયતા રહેલી હોવાનું જાણકારો કહી રહ્યા છે. આ જ કારણોસર સિસ્ટમમાં દર થોડા દિવસો સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
