<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

વડાપ્રધાન મોદીની મુંબઈ મુલાકાત વખતે નકલી PMO આઈકાર્ડ સાથે પકડાયેલા ભેજાબાજ અંગે સનસનાટીભર્યો ખુલાસો: ચેટ જીપીટીની મદદથી બનાવ્યા હતા બોગસ દસ્તાવેજો!

બીકેસી નજીકના મોલમાંથી રિવોલ્વર અને નકલી આઈડી સાથે ઝડપાયેલા રોહન પરીખના ઘરેથી પીએમઓ લખાણવાળા કાગળો જપ્ત; કોર્ટે આરોપીઓને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા.

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતની પૂર્વસંધ્યાએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત જિયો વર્લ્ડ પ્લાઝામાંથી વડાપ્રધાન કાર્યાલય (PMO) ના નકલી ઓળખપત્ર અને રિવોલ્વર સાથે ઝડપાયેલા બે આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે મુખ્ય આરોપી રોહન પરીખ (વય ૨૪) ના ખાર સ્થિત નિવાસસ્થાને દરોડા પાડીને પીએમઓ સંબંધિત બોગસ દસ્તાવેજો, લેપટોપ અને હાર્ડડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે કે આ તમામ નકલી ઓળખપત્રો અને બોગસ દસ્તાવેજો તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ‘ચેટ જીપીટી’ (ChatGPT) ની મદદથી તૈયાર કર્યા હતા.

 

આ સમગ્ર ઘટના ૭ સપ્ટેમ્બરે બની હતી, જ્યારે પીએમ મોદી બીકેસી ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. કાર્યક્રમ સ્થળ નજીકના મોલમાં રોહન પરીખે પોતાના મોબાઈલમાં પીએમઓનું નકલી આઈડી કાર્ડ બતાવ્યું હતું, જ્યારે તેની સાથે રહેલો દિલીપ કુંદે (વય ૪૯) નામનો શખ્સ પોતાની પાસે રિવોલ્વર રાખેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. લશ્કરનો ભૂતપૂર્વ જવાન હોવાનો દાવો કરનાર કુંદે પાસે નાશિક ગ્રામીણનું રિવોલ્વર લાઈસન્સ હોવાનું સામે આવ્યું છે.

 

પોલીસે અદાલતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રોહન પરીખના મોબાઈલ સર્ફિંગ હિસ્ટ્રી પરથી સ્પષ્ટ થયું છે કે તે લાંબા સમયથી પીએમઓ સાથેના પત્રવ્યવહારની વિગતો મેળવવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો. તે વર્ષ ૨૦૨૫થી ચેટ જીપીટીની મદદથી અંગ્રેજી ભાષામાં પીએમઓ આધારિત બોગસ કાગળો તૈયાર કરતો હતો. શુક્રવારે પોલીસ કસ્ટડી પૂર્ણ થતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એસ. ખેડેકર સમક્ષ બંને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીના વકીલ સતીશ માનેશિંદેની દલીલો બાદ કોર્ટે બંનેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી (જેલ) માં મોકલી આપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ અન્ય કયા ગુનાહિત કાર્યો માટે કર્યો હતો.

(7:13 PM IST)