તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ચકચારી 'ટ્વિશા શર્મા' કેસના આરોપી અને નિવૃત્ત જજ ગિરિબાલા સિંહના નિવાસસ્થાને તસ્કરોનો હાથફેરો: સોનાના દાગીના અને મહત્વના દસ્તાવેજોની ફાઇલ ચોરી લેવાનો પ્રયાસ
રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની ગાડીનો સાયરન સાંભળીને ભાગી છૂટ્યા તસ્કરો: બે શંકાસ્પદોની અટકાયત, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની સઘન તપાસ શરૂ

ભોપાલ:એક્ટ્રેસ અને મોડેલ ટ્વિશા શર્માની શંકાસ્પદ મૃત્યુના મામલે હાલ જેલમાં બંધ રહેલા નિવૃત્ત જજ ગિરિબાલા સિંહ અને તેમના પુત્ર સમર્થ સિંહના ભોપાલ સ્થિત નિવાસસ્થાને તસ્કરોએ રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓ ઘરના પાછળના ભાગેથી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલા સોનાના દાગીના તેમજ ગિરિબાલા સિંહ અને તેમના પુત્ર સાથે જોડાયેલા અતિ મહત્વના દસ્તાવેજોની એક ફાઇલ ચોરી લીધી હતી.
ઘટનાની વિગતો મુજબ, શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ જ્યારે તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા હતા, ત્યારે તે જ વિસ્તારમાં પોલીસની પેટ્રોલીંગ ટીમ (ચાર્લી વાહન) રાત્રિ સુરક્ષા માટે નીકળી હતી. પોલીસની ગાડીનો સાયરન દૂરથી સાંભળતા જ તસ્કરો ગભરાઈ ગયા હતા. તત્કાલ ત્યાંથી ફરાર થવાની ઉતાવળમાં તેઓએ ચોરી કરેલો સામાન ત્યાં જ છોડી દીધો હતો. જોકે, આ દરમિયાન પોલીસની ટીમ તુરંત સક્રિય થઈ હતી પરંતુ તસ્કરો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઘટના સમયે નિવૃત્ત જજના ભાઈ ઘરમાં હાજર હતા, જેમને ચોરીની ઘટનાની જાણકારી ત્યારે મળી જ્યારે પોલીસ ત્યાં પહોંચી. પોલીસને સ્થળ પરથી ચોરી કરાયેલો સામાન અને દસ્તાવેજો મળી આવ્યા છે. આ સમગ્ર મામલે એસીપી રજનીશ કશ્યપે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઘરમાંથી કિંમતી સામાન અને દસ્તાવેજો ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદમાં જપ્ત કરી લેવાયો છે.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓના આધારે બે વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે, જેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિશા શર્મા કેસમાં આરોપી ગિરિબાલા સિંહ અને સમર્થ સિંહ હાલ ૩૦ જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ છે. આ ઘટનાએ જેલવાસ ભોગવી રહેલા આરોપીઓના ઘરની સુરક્ષા અંગે અને સ્થાનિક પોલીસની રાત્રિ ગસ્ત પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનામાં વધુ કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
