<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

તરબૂચના બીયાં અને વટાણાની દાણચોરીઃ ૧૩૨ કન્‍ટેનર જપ્ત

ડીઆરઆઈની કાર્યવાહી, તુવેર દાળ અને કબૂતર દાણની આડમાં પ્રતિબંધિત જથ્‍થો લવાયો હતો

મુંબઈ તા.૨૧: ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યુ ઈન્‍ટેલિજન્‍સ (DRI)ની ટીમે પ્રતિબંધિત કૃષિ ઉત્‍પાદનોની દાણચોરી પકડી પાડી છે. મુંબઈ DRIનીટીમે તરબૂચના બીયાં અને લીલા વટાણા ભરેલા ૧૩૨ કન્‍ટેનર જપ્ત કર્યાં છે. રૂ.૧૩૯ કરોડનું મૂલ્‍ય ધરાવતા આ ઉત્‍પાદનો તાન્‍ઝાનિયા, સુદાન અને કેનેડામાંથી લવાયા હતા. 

DRIની સત્તાવાર યાદી મુજબ, ન્‍હાવા શેવા પોર્ટ પર પ્રતિબંધિત કૃષિ ઉત્‍પાદનોની દાણચોરી અંગે બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરવામાં આવતા ૧૩૨ કન્‍ટેનર મળી આવ્‍યા હતા. અંદાજે ૩,૦૨૯ મેટ્રિક ટનના જથ્‍થાને તુવેર દાળ અને કબૂતરના દાણની આડમાં આયાત કરાયો હતો. આયાત કરનારી કંપનીએ ખોટી માહિતી આપી હોવાથી ૨,૭૧૦ મેટ્રિક ટન તરબૂચના બિયા જપ્ત કરાયા હતા જેને સુદાન અને તાન્‍ઝાનિયાથી આયાત કરાયા હતા. જ્‍યારે ૩૧૯ મેટ્રિક ટન લીલા વટાણા કેનેડાથી મંગાવાયા હતા. એજન્‍સીને ગેરમાર્ગે દોરવા આ બંને વસ્‍તુને તુવેર દાળ અને કબૂતરના દાણા ગણાવવામાં આવ્‍યા હતા. જૂન ૨૦૨૪થી સરકારે તરબૂચના બિયા અને લીલા વટાણાની આયાત પર પ્રતિબંધ મૂકેલો છે.

સરકારની મંજૂરી સાથે માત્ર કોલકાતા બંદર પર આ વસ્‍તુઓ ઉતારી શકાય છે. વિદેશમાંથી કૃષિ ઉત્‍પાદનોની સસ્‍તા ભાવે આયાત થવાના કારણે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચે છે. તેથી ભારતના ખેડૂતો અને ઘરેલુ ઉત્‍પાદકોના હિતમાં તરબૂચના બિયા અને લીલા વટાણા જેવી વસ્‍તુઓની આયાત પર નિયંત્રણ મૂકાયા છે. આ મામલે ડીઆરઆઈ દ્વારા આયાત કરનારી કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ DRI દ્વારા ચીનના ફટાકડા ભારતમાં ઘૂસાડવાનું કૌભાંડ પકડી લેવાયુ હતું. જેમાં ન્‍હાવા શેવા બંદરેથી ઓક્‍ટોબર મહિનામાં કાચની બોટલની આડમાં લવાયેલા રૂ.૪.૪ કરોડના ફટાકડા જપ્ત કરાયા હતા

(10:30 AM IST)