<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

દેશમાં એકસાથે ૮ હવામાન સિસ્ટમ સક્રિય થતાં પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી

દિલ્હી-NCR સહિત ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વાતાવરણ બદલાશે; પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી : દેશના વાતાવરણમાં એકસાથે ભારે પલટો આવ્યો છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના બુલેટિન મુજબ હાલ દેશભરમાં કુલ ૮ મુખ્ય હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલા નવા પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે હિમાલયના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદની સંભાવના સર્જાઈ છે. આ સિસ્ટમની અસરથી દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦ ઓક્ટોબર સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેની સાથે જ મેદાની વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં પશ્ચિમી વિક્ષેપ સિવાય દક્ષિણ હરિયાણા, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા અને અરબી સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સક્રિય થયેલા છે.

હવામાન પલટાના પરિણામે દિલ્હી-NCR ના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૫°C થી ૩૭°C વચ્ચે નોંધાયા બાદ ૯ ઓક્ટોબર સુધીમાં ઘટીને ૩૧°C થી ૩૩°C સુધી પહોંચી જશે, જેનાથી લોકોને બફારા અને ગરમીમાંથી મુક્તિ મળશે. બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને કરાઈકલમાં ૧૦ ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

બીજી તરફ, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૩ થી ૪ દિવસ હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની ધારણા છે. જોકે, સપ્તાહના અંતમાં એટલે કે ૧૦ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન બિકાનેર અને શેખાવતી ક્ષેત્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. હાલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા સુપૌલ, રાંચી, રાયપુર અને પરભણીમાંથી પસાર થઈ રહી છે.

હવામાન નિષ્ણાતોના મતે, આ વખતે એકસાથે આટલી બધી સિસ્ટમ્સ સક્રિય થવી એ ચોમાસાની વિદાય અને શિયાળાના પ્રારંભ વચ્ચેનો એક મહત્વપૂર્ણ ભૌગોલિક ફેરફાર છે. પહાડી વિસ્તારોમાં વહેલી બરફવર્ષા શરૂ થવાના કારણે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં ગુલાબી ઠંડીનો અનુભવ શરૂ થઈ જશે.

આગામી દિવસોમાં આ હવામાન પ્રણાલીઓની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પર્વતીય વિસ્તારોના પ્રવાસીઓને અને દક્ષિણ ભારતના માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તાપમાનમાં આવનારા ઘટાડા સાથે દેશભરમાં હવામાન વધુ આહલાદક બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(6:10 PM IST)