News of Saturday, 28th November 2026
તો સાંસદોની સંખ્યા ૮૧૫ થશેઃ તિજોરી પર પડશે રૂ.૯૨.૬૬ કરોડનો બોજ
નવા ૨૭૦ સાંસદો ઉમેરાશેઃ વધારાના મકાનો અથવા ફલેટની વ્યવસ્થા કરવી પડશે

નવી દિલ્હી,તા.૨૮: કેન્દ્ર સરકાર લોકસભામાં સાંસદો વધારવાની કવાયત શરૂ કરી છે. જેમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લોકસભાની બેઠકોમાં ૫૦ ટકા વધારાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બેઠકોની આ સંખ્યા વર્ષ ૨૦૫૦ સુધી લાગુ રહેશે.તેમજ આ વધારા બાદ લોકસભાની કુલ બેઠકો ૮૧૫ થશે. એટલે કે નવા ૨૭૦ સાંસદો ઉમેરાશે. જોકે, સાંસદો વધવાની સાથે તેમના પગાર, ભથ્થાં અને સુવિધામાં પણ વધારો થશે. તેમજ તેનો બોજ સરકારી તિજોરી પર પણ પડશે.
સાંસદોને પગાર ઉપરાંત વિવિધ ભથ્થાં પણ આપવામાં આવે છે, જેનો હેતુ કાર્યાલયના સંચાલન અને તેમના સંબંધિત મતવિસ્તારોમાં થતા કામકાજના ખર્ચને આવરી લેવાનો હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અને ૧ એપ્રિલ, ૨૦૨૩થી અમલી દરો મુજબ, સંસદ સભ્ય (MP) ને માસિક રૂ.૧.૨૪ લાખનો પગાર મળે છે.
આ ઉપરાંત, તેમને રૂ.૮૭,૦૦૦નું મતવિસ્તાર ભથ્થું અને રૂ.૭૫,૦૦૦ નું કાર્યાલય ખર્ચ ભથ્થું આપવામાં આવે છે. આ ત્રણેય મળીને પ્રતિ સાંસદ માસિક રૂ.૨.૮૬ લાખનો ખર્ચ થાય છે. મતવિસ્તાર ભથ્થું તેમના મતવિસ્તાર સંબંધિત ખર્ચ માટે હોય છે, જ્યારે કાર્યાલય ખર્ચ ભથ્થું ઓફિસની જાળવણી, સ્ટેશનરી અને સચિવાલય સહાય જેવી જરૂરિયાતોને આવરી લે છે.
જો, પગારની રકમ વધારાના ૨૭૦ સાંસદોને પણ મળે તો વાર્ષિક આશરે રૂ.૯૨.૬૬ કરોડ ચૂકવવા પડશે. આ અંદાજમાં માત્ર પગાર અને આ બે ચોક્કસ ભથ્થાઓનો જ સમાવેશ થાય છે. તેમાં સાંસદોને આપવામાં આવતી અન્ય સુવિધાઓનો સમાવેશ થતો નથી. જો વધારાના ભથ્થાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે, તો કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત દૈનિક ભથ્થું કુલ રકમ આશરે રૂ.૪.૦૫ કરોડ થશે.
આ ઉપરાંત આ નવા સાંસદો માટે ૨૭૦ વધારાના મકાનો અથવા ફલેટની વ્યવસ્થા કરવી પડશે.
તેમજ સાથે સાથે સાંસદોની કચેરીઓ અને કર્મચારીઓ સંબંધિત ખર્ચમાં પણ વધારો થશે.(૪૦.૬)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
