તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
સોશિયલ મીડિયા પર નફરતની પરાકાષ્ઠા: માસૂમ બાળકોને મળી મૃત્યુની ધમકીઓ, આઘાતમાં સરેલા પ્રખ્યાત ડાયરેક્ટર રાહુલ રવિન્દ્રને કાયમ માટે X (ટ્વિટર) છોડ્યું!
"મારા બાળકો આ નફરતને લાયક નથી..." – ફૂટબોલ મેચ જોતાં જોતાં નોટિફિકેશન ચેક કરવું ભારે પડ્યું; હૃદયદ્રાવક પોસ્ટ લખીને કલાકારે લીધો મોટો નિર્ણય

મુંબઈ, તા.૩૦: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વધી રહેલી નફરત અને ટ્રોલિંગનો ભોગ હવે જાણીતા ફિલ્મ દિગ્દર્શક રાહુલ રવિન્દ્રન બન્યા છે. પોતાની આગામી ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાહુલ રવિન્દ્રનના માસૂમ બાળકોને સોશિયલ મીડિયા પર બિભત્સ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ભયાનક ઓનલાઈન હુમલા અને માનસિક ત્રાસથી કંટાળીને ડાયરેક્ટરે આખરે એક અત્યંત ભાવુક પોસ્ટ લખીને હંમેશા માટે X પ્લેટફોર્મ ડિલીટ (છોડી) કરી દીધું છે.
એક વાયરલ મર્ડર કેસ સાથે ફિલ્મ જોડાતાં વિવાદ વકર્યો
વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રાહુલની આગામી ફિલ્મને તાજેતરના પ્રખ્યાત ‘પુણે હત્યા કેસ’ સાથે જોડી દીધી. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં ૨૬ વર્ષીય કેતન અગ્રવાલને તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ લોહાગઢ કિલ્લાના એક ઊંડા ખડક પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વાસ્તવિક ઘટના સાથે ફિલ્મની વાર્તા જોડીને લોકોએ રાહુલ રવિન્દ્રન અને તેમની ટીમ પર ઓનલાઈન વ્યક્તિગત હુમલાઓ શરૂ કરી દીધા હતા.
હોરર નાઇટ: બ્રાઝિલ-જાપાનની ફૂટબોલ મેચ અને એ કાળી ક્ષણ
રાહુલ રવિન્દ્રને પ્લેટફોર્મ છોડતા પહેલાં પોતાના અનુભવેલા આઘાતનું વર્ણન કરતાં લખ્યું કે,
“હું રાત્રે શાંતિથી બેસીને બ્રાઝિલ વિરુદ્ધ જાપાનની ફૂટબોલ મેચ જોઈ રહ્યો હતો. સ્પોર્ટ્સના અપડેટ્સ માટે મેં ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું અને કમનસીબે મારાથી નોટિફિકેશન ચેક કરવાની ભૂલ થઈ ગઈ. ત્યાં મને મારા બાળકો માટે મૃત્યુની ધમકી આપતી એક ટ્વિટ મળી. કાશ, મેં તે નોટિફિકેશન ન જોયું હોત!”
રાહુલે આગળ જણાવ્યું કે તે પોસ્ટ જોઈને તેમનું માથું ગરમ થઈ ગયું હતું અને તેઓ ભારે ગુસ્સામાં આવી ગયા હતા. કલાકો સુધી તેઓ ટીવી સામે શૂન્યમનસ્ક થઈને બેસી રહ્યા હતા અને ગુસ્સાના કારણે તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા.
‘બસ, હવે મારું કામ પૂરું થયું’ – કાયમી અલવિદા
પોતાની ભીતર ચાલી રહેલા કમકમાટીભર્યા સંઘર્ષનો અંત લાવતા રાહુલે લખ્યું કે, એક ક્ષણ માટે મને એવા વિચારો પણ આવ્યા કે કદાચ મારી જ કોઈ ભૂલ હશે અથવા હું વધુ પડતો પ્રતિક્રિયા આપી રહ્યો છું. પરંતુ, મારા માસૂમ બાળકો આ નફરતને બિલકુલ લાયક નથી.
તેમણે ઉમેર્યું કે તેઓ લાંબા સમયથી એક્સ પ્લેટફોર્મ છોડવા માંગતા હતા, પરંતુ માત્ર ક્રિકેટ અને ભારતીય રમતોના ઝડપી સમાચાર મેળવવા માટે જ તેઓ આ એપ પર ટકેલા હતા. પરંતુ હવે પાણી માથા પરથી જતું રહ્યું હોવાથી, તેમણે પોતાના પરિવારની માનસિક શાંતિ અને સુરક્ષા માટે આ કડવું પગલું ભર્યું છે અને ડિજિટલ દુનિયાની નફરતને કાયમી અલવિદા કહી દીધું છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
