હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રક્ષા મંત્રીના સંસદમાં આપેલા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરનારા સોશિયલ મીડિયાના ખોટા દાવાઓનો રક્ષા મંત્રાલય દ્વારા સખત ઈનકાર
'ઓપરેશન સિંદૂર'ના સંદર્ભમાં રક્ષા મંત્રીના શબ્દોને ખોટી રીતે સંદર્ભહીન કરીને રજૂ કરવામાં આવ્યા હોવાનું મંત્રાલયે જણાવ્યું: દેશની સુરક્ષા અને બલિદાન આપનારા જવાનો પ્રત્યે સરકારની અતૂટ આસ્થા હોવાનો પુનરોચ્ચાર

નવી દિલ્હી:કેન્દ્રીય રક્ષા મંત્રાલયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહના સંસદના નિવેદન સંબંધિત દાવાઓને સદંતર ફગાવી દીધા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગત વર્ષે ૨૮ જુલાઈના રોજ સંસદમાં આપવામાં આવેલા રક્ષા મંત્રીના સંબોધનને સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર જાણીજોઈને તોડી-મરોડીને અને સંદર્ભહીન રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે આ પ્રકારની પ્રવૃત્તિને તથ્યહીન અને ભ્રામક ગણાવી છે.
રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી પોસ્ટમાં રક્ષા મંત્રીના ભાષણના એક નાના અને અલગ તારવેલા અંશને આધાર બનાવીને એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાના કોઈ જવાન શહીદ થયા નથી. મંત્રાલયે આ દાવાઓને સખત શબ્દોમાં નકારતા કહ્યું કે આ નિવેદન પાયાવિહોણું છે.
મંત્રાલયે સમગ્ર ઘટનાક્રમની વિગતો આપતા જણાવ્યું કે, જે સમયે રક્ષા મંત્રીએ સંસદમાં આ નિવેદન આપ્યું હતું, તે સમયે સોશિયલ મીડિયા અને મીડિયાના અમુક વર્ગોમાં એક સુનિયોજિત રીતે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય પાયલટોએ જીવ ગુમાવ્યા છે. આ અફવાને દેશની સુરક્ષા વ્યવસ્થાની સફળતાને નબળી પાડવા અને લોકોનું મનોબળ તોડવાના ઈરાદે ફેલાવવામાં આવી હતી. રક્ષા મંત્રીનું સંસદમાંનું નિવેદન આ ચોક્કસ અને પાયાવિહોણી અફવાનો જવાબ આપવા માટે હતું, જેને હવે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ૧૦૦થી વધુ આતંકવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે દુશ્મનના હવાઈ મથકો અને લશ્કરી અસ્કયામતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. રક્ષા મંત્રીએ આપેલું નિવેદન ઓપરેશનની સફળતાના સાચા પાસાઓને ઉજાગર કરવાના સંદર્ભમાં હતું.
રક્ષા મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર દેશના સશસ્ત્ર દળોના દરેક સભ્ય અને ખાસ કરીને રાષ્ટ્રની સેવા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે અતૂટ આદર અને કૃતજ્ઞતા ધરાવે છે. આ વીરગતિ પામેલા જવાનોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની દીવાલો પર અંકિત કરીને તેમને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. સરકાર શહીદોના પરિવારોની સુખાકારી અને તેમના બાળકોના શિક્ષણ તથા સ્વાસ્થ્ય માટે પણ સતત પ્રયત્નશીલ છે. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર આવતા આવા અધૂરા અને ભ્રામક નિવેદનોથી ગેરમાર્ગે દોરાય નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
