<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સોશિયલ મીડિયા પર બાળ સુરક્ષા સામે મોટું જોખમ: ઇન્સ્ટાગ્રામ પર બાળ શોષણ સામગ્રી વેચતી પેઇડ એડ્સ ચાલતી હોવાનો પર્દાફાશ; ચારેતરફ ઘેરાતા મેટાએ સ્વીકાર્યું – "કોઈ સિસ્ટમ પરફેક્ટ નથી"

બીબીસીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો; ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો બતાવી ગ્રાહકોને ટેલિગ્રામ ચેનલો પર મોકલવાનું ચાલતું હતું નેટવર્ક, વિવાદ બાદ મેટા અને ટેલિગ્રામે લીધા એક્શન

મુંબઈ : વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પૈકીના એક એવા ઇન્સ્ટાગ્રામ (Instagram) અને તેની પેરેન્ટ કંપની મેટા (Meta) ફરી એકવાર ગંભીર વિવાદના વમળમાં ફસાયા છે. ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણ સામગ્રી (CSAM) નો પ્રચાર અને વેચાણ કરતી પેઇડ જાહેરાતો (Paid Advertisements) ધમધમતી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો એક આંતરરાષ્ટ્રીય તપાસમાં થયો છે. મેટાની કડક નીતિઓ મુજબ પ્લેટફોર્મ પર કોઈપણ જાહેરાત લાઈવ થતાં પહેલાં તેની સઘન સમીક્ષા થવી અનિવાર્ય છે, તેમ છતાં આવી આપત્તિજનક જાહેરાતો મુક્તપણે પ્લેટફોર્મ પર દેખાઈ રહી હતી, જે વપરાશકર્તાઓને પ્રતિબંધિત સામગ્રી ખરીદવા માટે ટેલિગ્રામ ચેનલો તરફ દોરી જતી હતી.
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં પત્રકારોએ ભારતના લોકેશન પર એક ઉપનામ (છૂપા) એકાઉન્ટનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામની એડ સિસ્ટમની ચકાસણી કરી હતી. આ એકાઉન્ટ પરથી માત્ર સામાન્ય પુખ્ત સામગ્રી ધરાવતા કેટલાક એકાઉન્ટ્સને ફોલો કરવામાં આવ્યા હતા. પરંતુ તેના ગણતરીના દિવસોમાં જ ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમે આ એકાઉન્ટ પર પુખ્ત વયના લોકો સાથે અયોગ્ય સ્થિતિમાં દર્શાવેલા બાળકોની અંદાજે ૩૦ જેટલી વિશિષ્ટ અને આપત્તિજનક જાહેરાતો બતાવવાનું શરૂ કરી દીધું હતું. આ તમામ જાહેરાતોમાં ટેલિગ્રામ ચેનલોની લિંક હતી, જ્યાં આ ગેરકાનૂની સામગ્રીનું વેચાણ થઈ રહ્યું હતું.
મેટાની બેદરકારી અને નફાખોરી સામે સવાલો
આ તપાસનો સૌથી ચોંકાવનારો પક્ષ એ હતો કે જ્યારે બીબીસીએ આવી જ એક જાહેરાત વિશે સીધી ઇન્સ્ટાગ્રામ પર રિપોર્ટ (ફરિયાદ) કરી, ત્યારે પ્લેટફોર્મે ૨૪ કલાક પછી એવો નકારાત્મક જવાબ આપ્યો કે આ પોસ્ટ તેમની કોઈ 'સમુદાય માર્ગદર્શિકા' (Community Guidelines) નું ઉલ્લંઘન કરતી નથી! જો કે, જ્યારે આ મામલે મેટાના ઉચ્ચ અધિકારીઓનો ઔપચારિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે કંપનીએ તાબડતોબ એક્શન લઈને આવી અસંખ્ય જાહેરાતોને અક્ષમ કરી દીધી અને તેની પાછળના એકાઉન્ટ્સ અને યુઆરએલ (URL) ને બ્લોક કર્યા હતા.
ચારેબાજુથી ઘેરાયેલી મેટા કંપનીએ પોતાની સફાઈમાં જણાવ્યું છે કે, "બાળ શોષણ એ એક ઘૃણાસ્પદ અપરાધ છે અને અમે અમારી એપ્લિકેશન્સ પર તેની સામે આક્રમક રીતે લડી રહ્યા છીએ. અમે માત્ર નફા કે કમાણી માટે વપરાશકર્તાઓની સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરતા નથી." જો કે, અગાઉ રિપોર્ટ કરાયેલી જાહેરાતને નજરઅંદાજ કરવાના મુદ્દે મેટાએ પોતાની લાચારી સ્વીકારતા કહ્યું કે, "કોઈપણ ટેકનિકલ સિસ્ટમ સંપૂર્ણપણે પરફેક્ટ હોતી નથી અને અમારી સમીક્ષા પ્રક્રિયા બધી જ નીતિ ઉલ્લંઘનો શોધવામાં સક્ષમ નથી." કંપનીએ દાવો કર્યો છે કે તેમણે શંકાસ્પદ પ્રવૃત્તિઓના કારણે વર્ષ ૨૦૨૫માં જ ૪૦ લાખથી વધુ એકાઉન્ટ્સ આપમેળે બંધ કર્યા હતા.
ટેલિગ્રામનો એક્શન પ્લાન અને ભારતની સ્થિતિ
આ વિવાદમાં બીજી મુખ્ય કડી બનેલી મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામે જણાવ્યું છે કે તે પ્લેટફોર્મ પરથી આવી સામગ્રી હટાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ મધ્યસ્થતા બંનેનો ઉપયોગ કરે છે. ટેલિગ્રામના જણાવ્યા અનુસાર, તેમણે ચાલુ વર્ષ ૨૦૨૬માં આવી ગેરકાયદેસર સામગ્રી ફેલાવતા ૨,૭૪,૦૦૦ થી વધુ જૂથો અને ચેનલોને કાયમી ધોરણે ડીલીટ કરી દીધી છે. જો કે, નિષ્ણાતો નોંધે છે કે ટેલિગ્રામ હજુ પણ વૈશ્વિક ચાઇલ્ડ પ્રોટેક્શન સંસ્થાઓ જેમ કે NCMEC (નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન) નું સભ્ય નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસોની દેખરેખ રાખતી સંસ્થા NCMEC ના આંકડા મુજબ, ઓનલાઇન બાળ શોષણના મામલામાં ભારત વિશ્વમાં અમેરિકા (૨૦ લાખ રિપોર્ટ્સ) પછી ૧૯ લાખ સાયબર ટિપલાઇન રિપોર્ટ્સ સાથે બીજા ક્રમે છે. મુંબઈ સ્થિત અગ્રણી બાળ સુરક્ષા સંગઠન 'રતિ ફાઉન્ડેશન' ના સહ-સ્થાપક સિદ્ધાર્થ પિલ્લાઈએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ગુનેગારો ઓનલાઇન પકડાઈ જવાથી બચવા માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ વચ્ચેના 'ટ્રાફિક રૂટ' નો ઉપયોગ કરે છે. એક પ્લેટફોર્મ પરથી સામગ્રી ડીલીટ થાય એટલે તે તરત જ બીજા પ્લેટફોર્મ પર અપલોડ કરી દેવાય છે, જે ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષા સામે એક અત્યંત જટિલ અને ભયાનક પડકાર છે.

(5:54 PM IST)