તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ISIના ઇશારે સોશિયલ મીડિયા સ્ટાર શહઝાદ ભટ્ટી બન્યો ડિજિટલ આતંકી: ભારતીય એજન્સીઓ હાઇએલર્ટ પર
‘૩૩૩’ આઈડીથી યુટ્યુબ-ઇન્સ્ટાગ્રામ પર ભારતીય યુવાનોને હથિયારો અને પૈસાની લાલચ આપી આતંકી નેટવર્કમાં ધકેલવાનું મોટું કાવતરું પર્દાફાશ

રાજકોટ : પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઇશારે સોશિયલ મીડિયા પ્રભાવક શહઝાદ ભટ્ટી દ્વારા ભારતમાં ચલાવવામાં આવી રહેલા મોટા ડિજિટલ આતંકવાદી મોડ્યુલનો ભારતીય સુરક્ષા એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે. મે ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, UP ATS અને દેશની અન્ય કેન્દ્રીય એજન્સીઓએ એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને ભટ્ટી-આબિદ જટ્ટ મોડ્યુલના સભ્યો સહિત કુલ ૪૮૧ શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ નેટવર્ક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતના ગેરમાર્ગે દોરાયેલા બેરોજગાર યુવાનોને નિશાન બનાવી, વીડિયો કોલિંગ અને સોશિયલ મીડિયા રીલ્સના માધ્યમથી કટ્ટરપંથી બનાવીને દેશમાં મોટી અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું હતું.
મૂળ પાકિસ્તાનના પંજાબનો અને હાલ દુબઈથી રીંગ માસ્ટર તરીકે સક્રિય ૪૫ વર્ષીય શહઝાદ ભટ્ટી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ ૨૦૧૫માં દુબઈ ભાગી ગયા બાદ તે કુખ્યાત ફારૂક ખોકર ગેંગમાં જોડાયો હતો અને સોશિયલ મીડિયા પર ઉપનામ ‘333’ હેઠળ ધાર્મિક તથા ભારત-પાક વિવાદિત વીડિયો બનાવી લાખો ફોલોઅર્સ મેળવ્યા હતા. સુરક્ષા સોર્સના જણાવ્યા અનુસાર, ભટ્ટી પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હેન્ડલર્સ આબિદ જટ્ટ અને યાવર ખાન સાથે મળીને ‘તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન’ (TTH) ના ભયાનક એજન્ડા હેઠળ ભારત વિરોધી આ આખું માળખું ઓપરેટ કરી રહ્યો છે.
આ મોડ્યુલની કાર્યપદ્ધતિ અત્યંત શાતિર છે, જેમાં સોશિયલ મીડિયાના ઇનબોક્સ ચેટિંગથી યુવાનોનો સંપર્ક કરી, તેમને હથિયારો સાથે વીડિયો બનાવવાની હિંમત આપી, વિદેશમાં સેટલ થવાની તેમજ સરળતાથી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવતી હતી. શરૂઆતમાં સંવેદનશીલ સ્થળોના ફોટા અને વીડિયો મંગાવવા જેવા નાના કામો સોંપીને યુવાનોને આ આતંકી દલદલમાં ફસાવવામાં આવતા હતા. હાલ મહારાષ્ટ્ર ATS અને હરિયાણા STF આ ઓનલાઈન રેડિકલાઈઝેશન મોડેલના મૂળ સુધી પહોંચવા માટે પકડાયેલા શંકાસ્પદોની સઘન પૂછપરછ કરી રહી છે.
દેશવ્યાપી સુરક્ષા ખતરાને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ૭ રાજ્યોમાં ૪૮ કલાકનું મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. એજન્સીઓ પાસે ૫૦૦થી વધુ શંકાસ્પદ મોબાઈલ નંબરોની યાદી હતી, જેના આધારે પંજાબના સરહદી વિસ્તારો અને હરિયાણામાંથી અંદાજે ૧૩૦થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ ૨૦થી વધુ યુવાનોને આ જાળમાંથી બચાવવા માટે કાઉન્સેલિંગ કરી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરાવવામાં આવ્યા છે.
હાલમાં NIA, UP ATS અને ઉત્તરાખંડ STF સહિતની તમામ ટોચની એજન્સીઓ શહઝાદ ભટ્ટીને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કરીને તેના ડિજિટલ ફંડિંગ અને લોજિસ્ટિક સપોર્ટના સ્ત્રોત શોધી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ સ્લીપર સેલ્સની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે અને પકડાયેલા ગુનેગારો સામે કડક કાનૂની પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
