તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
થાણેમાં ગુટકા અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરનાર સામાજિક કાર્યકરની સરેઆમ હત્યા: સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીઓનાં નામ ઉજાગર કર્યાના પખવાડિયામાં જ દુર્ઘટના!
ઉલ્હાસનગર રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનાર સામાજિક કાર્યકર હરીશ ગજવાનીની ગોળી મારીને કરાયેલી હત્યા કેસમાં પોલીસે 12 કલાકની અંદર જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

થાણે, તા.15: થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં ગુટકાનું ગેરકાયદે વેચાણ અને જુગારની પ્રવૃત્તિઓ સામે લાંબી લડત ચલાવનારા એક સામાજિક કાર્યકરની નિર્દયતાપૂર્વક ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હત્યાકાંડે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે, કારણ કે હત્યાના માત્ર પખવાડિયા પહેલા જ મૃતકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર ગેરકાયદે પ્રવૃત્તિઓને રક્ષણ આપવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉલ્હાસનગર રેલવે સ્ટેશન નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં બુધવારની રાત્રે 8:30 વાગ્યાની આસપાસ 50 વર્ષીય સામાજિક કાર્યકર હરીશ ગજવાની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજ્ઞાત હુમલાખોરોએ એકદમ નજીકથી ગજવાની પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી તેમના માથામાં વાગતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે ગજવાનીએ ગત 27 સપ્ટેમ્બરે 'એક્સ' (ટ્વિટર) પર એક પોસ્ટ મૂકીને ગુટકા અને રમી ક્લબ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનાં નામ જાહેર કર્યા હતા. આ મહત્વપૂર્ણ પોસ્ટમાં તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેને પણ ટેગ કર્યા હતા.
આ સનસનાટીભર્યા હત્યાકાંડ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા એક શકમંદ તીક્ષ્ણ હથિયાર સાથે નજરે પડ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગયા મહિને શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની જે પદ્ધતિથી હત્યા કરવામાં આવી હતી, બિલકુલ તેવી જ રીતે નજીકથી ગોળી મારીને અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને માત્ર 12 કલાકની અંદર જ ત્રણ મુખ્ય શકમંદોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગોરેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૃતક અને પકડાયેલા આરોપીઓ પૈકીના અવિનાશ નાયડુ સાથે જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2021ના હત્યાના એક કેસમાં હરીશ ગજવાની આરોપી હતો અને તે સમયે નાયડુ પર પણ હુમલો થયો હતો. આ જૂની દુશ્મનાવટનો બદલો લેવા માટે જ આ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ગજવાનીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર સામાજિક કાર્યકરોની સુરક્ષા અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓનો પર્દાફાશ કરનાર વ્યક્તિની આ પ્રકારે થયેલી હત્યાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આ કેસના અન્ય સંભવિત કાવતરાખોરો અને અધિકારીઓની સંડોવણી વિશે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
