તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
સોફ્ટ ડ્રિંક્સ પીનારાઓ સાવધાન: ઠંડા પીણાં પર હવે લાગશે 40 ટકા GSTનો મસમોટો ઝીંક, ટેક્સનું માળખું બદલાતા વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ગભરાટ
1 મેથી અમલી બનેલા નવા નિયમો મુજબ હવે તમામ સોફ્ટ ડ્રિંક્સ 'લક્ઝરી'ના સ્લેબમાં: ટેક્સમાં વધારો છતાં સિંગલ સ્લેબને કારણે હિસાબમાં સરળતા રહેશે, ફળના નામે વેચાતા ડ્રિંક્સ પણ આકરા કરવેરામાંથી બચી શકશે નહીં

નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં વેચાતા સોફ્ટ ડ્રિંક્સ પરના જીએસટી દરોમાં ધરખમ ફેરફાર કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. 1 મે 2026 થી અમલમાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, હવે તમામ સોફ્ટ ડ્રિંક્સ પર 28 ટકાના બદલે સીધો 40 ટકા જીએસટી વસૂલવામાં આવશે. અગાઉ 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ મળીને અલગ-અલગ હિસાબ રાખવો પડતો હતો, જે હવે નાબૂદ કરીને 40 ટકાનો એક જ સિંગલ ટેક્સ સ્લેબ બનાવી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ લોકોમાં સુગરયુક્ત પીણાંનો વપરાશ ઘટાડવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
નવા આદેશ મુજબ હવે રિટેઈલ બિલિંગ, સ્ટોક ટ્રાન્સફર અને પરચેઝ ઓર્ડર તમામ નવા 40 ટકાના દર પ્રમાણે જ તૈયાર કરવાના રહેશે. જો કોઈ વેપારી હજુ પણ જૂના ટેક્સ માળખા મુજબ વ્યવહાર કરશે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને વ્યાજ સહિત દંડ પણ ભરવો પડી શકે છે. મહત્વની વાત એ છે કે, જે પીણાંઓ મેન્ગો ડ્રિંક કે ફ્રૂટ સ્પ્લેશ જેવા આકર્ષક નામે વેચાય છે, તેને પણ આ 40 ટકાના સ્લેબમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફળના નામ જોડવાથી જીએસટીમાં કોઈ જ રાહત મળવાપાત્ર રહેશે નહીં.
જોકે, પ્યોર ફ્રૂટ જ્યુસ કે પલ્પ જે કાર્બોનેટેડ નથી, તેમને આ વધારાના ટેક્સમાંથી હાલ પૂરતી રાહત આપવામાં આવી છે. બજારના વિશ્લેષકો માને છે કે આ ફેરફારથી ભવિષ્યમાં ઠંડા પીણાંની કિંમતોમાં વધારો થઈ શકે છે, પરંતુ ટેક્સ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. સરકારના આ કડક વલણને કારણે જે કંપનીઓ અત્યાર સુધી ટેક્સમાં છૂટછાટ મેળવવા માટે ફ્રૂટના નામનો સહારો લેતી હતી, તેમની મુશ્કેલીઓ હવે વધી શકે છે. આગામી દિવસોમાં આ નવા જીએસટી દરની અસર ઠંડા પીણાંના વેચાણ પર કેટલી પડે છે તે જોવું રહ્યું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
