<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જામનગરમાં સોલાર અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સને વધુ વેગ મળશે: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેની મુકેશ અંબાણી સાથે મુલાકાત

બેઠક દરમિયાન ગુજરાતમાં ચાલી રહેલા મેગા રોકાણો અંગે વિસ્તૃત ચર્ચા :મુખ્યમંત્રી અને ઉદ્યોગપતિ વચ્ચે ગ્રીન એનર્જી, પેટ્રોકેમિકલ્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિષયો પર મંથન થયુ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે વિશેષ મુલાકાત કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027) રોડ શો બાદ આ બેઠક યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અનંત અંબાણી સાથે આ બેઠક સંપન્ન થઈ હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાતની સત્તાવાર તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર શેર કરી છે.

આ બેઠક દરમિયાન ગુજરાતમાં ચાલી રહેલા મેગા રોકાણો અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે. ખાસ કરીને જામનગરમાં સોલાર અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનને વેગ મળવાની પૂરી સંભાવના છે. રિલાયન્સના આ પ્રોજેક્ટ્સથી રાજ્યમાં સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે. સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

 

મુખ્યમંત્રી અને ઉદ્યોગપતિ વચ્ચે ગ્રીન એનર્જી, પેટ્રોકેમિકલ્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્ત્વના વિષયો પર મંથન થયું છે. આ ચર્ચાઓથી રાજ્યના ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રને નવી દિશા મળશે. રોકાણકારો માટે રાજ્યનું વાતાવરણ અત્યંત અનુકૂળ સાબિત થઈ રહ્યું છે.

 

રાજ્ય સરકારના આગામી લક્ષ્યોને હાંસલ કરવા માટે ઉદ્યોગોનો સહકાર અનિવાર્ય છે. આ બેઠકથી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત' ના સંકલ્પને વેગ મળશે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે

(10:44 AM IST)