તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
કંપની વેચીને કર્મચારીઓને વહેંચ્યા ૨,૦૦૦ કરોડ રાતોરાત બન્યા કરોડપતિ...
માલિક હોય તો આવા! કોર્પોરેટ વર્લ્ડમાં માનવતા અને વફાદારીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું : દરેક કર્મચારીના હિસ્સામાં આશરે ૪.૪૩ લાખ ડોલર આવ્યાઃ ઘણા કર્મચારીઓએ આ આકસ્મિક ધનલાભને ‘લોટરી લાગવા' જેવો અહેસાસ ગણાવ્યો

ન્યુયોર્ક,તા.૨૪: બિઝનેસ વર્લ્ડમાં સામાન્યપણે જ્યારે પણ કોઈ કંપની વેચાય છે, ત્યારે તેના સૌથી મોટો ફાયદો માલિકો અને શેરહોલ્ડર્સને જ મળતો હોય છે. પરંતુ અમેરિકાના લુઇસિયાના રાજ્યના મિન્ડેન નામના એક નાના શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે કોર્પોરેટ વર્લ્ડમાં માનવતા અને વફાદારીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંની ૪૩ વર્ષ જૂની એક કૌટુંબિક કંપનીના માલિકે પોતાની કંપની વેચતી વખતે એવી શરત મૂકી કે તેના ૫૪૦ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે.
ઈલેક્ટ્રિકલ ડિવાઇસ માટે સ્પેશિયલ સ્ટ્રક્ચર અને એનક્લોઝર બનાવતી ‘ફાઇબરબોન્ડ' નામની આ કંપનીને વોકર પરિવારે સતત ૪૩ વર્ષ સુધી ચલાવી. તાજેતરમાં આ કંપનીને પાવર મેનેજમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપની 'ઈટન' દ્વારા ૧.૭ અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા ૧૪,૦૦૦ કરોડમાં ખરીદવામાં આવી હતી.
જોકે, આ ડીલ ફાઈનલ થાય એ પહેલાં જ કંપનીના પૂર્વ સીઈઓ ગ્રાહમ વોકરે ખરીદદાર કંપની સામે એક વિશેષ શરત મૂકી હતી. તેમણે નક્કી કર્યું કે કંપનીના વેચાણથી મળનારી કુલ રકમના ૧૫ ટકા હિસ્સો કંપનીના કર્મચારીઓને બોનસ તરીકે આપવામાં આવશે. આヘર્યની વાત એ છે કે આ કર્મચારીઓ પાસે કંપનીના કોઈ શેર પણ નહોતા, તેમ છતાં માલિકે આ નિર્ણય લીધો હતો.
કંપની દ્વારા મૂકવામાં આવેલી આ ઐતિહાસિક શરતના કારણે કંપનીના ૫૪૦ ફૂલ-ટાઇમ કર્મચારીઓ વચ્ચે કુલ ૨૪ કરોડ ડોલર એટલે કે આશરે રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની રકમ વહેંચવામાં આવી છે. જો સરેરાશ ગણતરી કરવામાં આવે તો દરેક કર્મચારીના હિસ્સામાં આશરે ૪.૪૩ લાખ ડોલર આવ્યા છે. આ રકમ કર્મચારીઓને મળવાની શરૂ પણ થઈ ગઈ છે. જોકે, પૂરી રકમ મેળવવા માટે કર્મચારીઓએ આગામી પાંચ વર્ષ સુધી કંપની સાથે જોડાયેલા રહેવું પડશે, પરંતુ ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના કર્મચારીઓને આ શરતમાંથી મુક્તિ અપાઈ છે જેથી તેઓ સન્માનભેર નિવૃત્તિ લઈ શકે. ઘણા કર્મચારીઓએ આ આકસ્મિક ધનલાભને 'લોટરી લાગવા' જેવો અહેસાસ ગણાવ્યો છે.
ફાઇબરબોન્ડ કંપનીની સ્થાપના ૧૯૮૨માં ગ્રાહમ વોકરના પિતા ક્લોડ વોકરે કરી હતી. શરૂઆતમાં રેલ્વે લાઈનો માટે ટેલિફોન અને ઈલેક્ટ્રિકલ સ્ટ્રક્ચર બનાવતી આ કંપનીએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ૧૯૯૮માં કંપનીના કારખાનામાં ભયાનક આગ લાગી હતી અને ત્યારબાદ આર્થિક મંદીનો સામનો પણ કરવો પડ્યો હતો. એક સમયે કર્મચારીઓની સંખ્યા ૯૦૦થી ઘટીને ૩૨૦ થઈ ગઈ હતી, તેમ છતાં વોકર પરિવારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના કર્મચારીઓનો સાથ છોડ્યો નહોતો અને તેમનો પગાર ચાલુ રાખ્યો હતો.
કંપની માટે ટર્નિગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેણે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આશરે ૧૫ કરોડ ડોલરનું રોકાણ કર્યું. વર્ષ ૨૦૨૦માં કોવિડ મહામારી દરમિયાન ક્લાઉડ સર્વિસની માંગ વધતા કંપનીનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સની તેજીને કારણે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના વેચાણમાં ૪૦૦ ટકા ટકાનો તોતિગ વધારો નોંધાયો હતો, જેના કારણે મોટી કંપનીઓ તેને ખરીદવા માટે લાઈનમાં ઊભી રહી ગઈ હતી. આ સફળતાના શિખરે પહોંચીને પણ માલિકે પોતાના જૂના કર્મચારીઓની વફાદારીની જે કદર કરી છે, તેની આજે આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
