<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કેટલાક લોકો ભારતનાં વિકાસથી કદી ખુશ નહી થાય

પીએમ મોદીએ કોંગ્રેસને ફરી ગણાવ્‍યા ‘નારાજ ફુફા' : વડાપ્રધાન મોદી વડોદરામાં: ૩૫,૨૦૦ કરોડના વિકાસ પ્રોજેકટનું લોકાર્પણઃ Gen-Z સાથે અનોખા અંદાજમાં સંવાદ

વડોદરા, તા.૮: વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત એક ભવ્‍ય અને અનોખા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દેશની નવી પેઢી એટલે કે Gen Zના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્‍યો હતો. સામાન્‍ય રાજકીય સભાઓ કરતા તદ્દન અલગ એવા આ કાર્યક્રમમાં પીએમના સ્‍ટેજની આજુબાજુ વિશેષ Y-આકારનો રેમ્‍પ બનાવવામાં આવ્‍યો હતો, જ્‍યાં હજારો ઉત્‍સાહી યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. પીએમ મોદીએ આ તકે ગુજરાતને રૂ.૩૫,૨૦૦ કરોડથી વધુના વિવિધ સાર્વજનિક વિકાસ પ્રોજેક્‍ટ્‍સનું ઉદ્ધાટન અને શિલાન્‍યાસ કરીને વિકાસ પર્વની ઉજવણી તરીકે બિરદાવ્‍યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશના લોજિસ્‍ટિક્‍સ અને ટ્રાન્‍સપોર્ટ સેક્‍ટરમાં આવેલા પરિવર્તનનો ચિતાર આપતા વિપક્ષી વિચારસરણી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્‍યું કે મુંબઈના JNPT પોર્ટથી વડોદરા સુધી ચાલતી ડબલ-કન્‍ટેનર ફ્રેટ ટ્રેનોને કારણે અગાઉ જે માલસામાન લઈ જવા માટે ૨૫૦થી વધુ ટ્રકોની જરૂર પડતી હતી તે કામ હવે ખૂબ સરળ અને ઝડપી બની ગયું છે. પીએમ મોદીએ રમુજી લહેકામાં કટાક્ષ કરતા કહ્યું, હવે આ જોઈને કેટલાક ગુસ્‍સે ભરાયેલા નારાજ ફુફાજી બૂમો પાડશે કે - અરે, આ ટ્રક ડ્રાઇવરોનું શું થશે? હવે તેમને નિંદા કરવાનો આ નવો મુદ્દો મળી ગયો છે.

સંવાદ દરમિયાન વડાપ્રધાન મોદી એકદમ હળવા અને મનોરંજક મિજાજમાં જોવા મળ્‍યા હતા, પરંતુ સાથે સાથે તેમણે દેશના પરિવહન ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતા વિપક્ષી વિચારસરણી પર વિનોદી કટાક્ષ પણ કર્યો હતો. તેમણે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ફાયદા ગણાવતા કહ્યું કે, મુંબઈના JNPT થી ચાલતી ડબલ-કન્‍ટેનર ટ્રેનને કારણે પહેલા જે માલસામાન લઈ જવા ૨૫૦થી વધુ ટ્રકોની જરૂર પડતી હતી તે હવે એક જ ટ્રેન દ્વારા ઝડપથી પહોંચી જાય છે. આ અંગે વાત કરતા પીએમ મોદીએ રમુજી અંદાજમાં કહ્યું કે, હવે આ જોઈને કેટલાક ગુસ્‍સે ભરાયેલા કાકાઓ બૂમ પાડશે કે - અરે, આ ટ્રક ડ્રાઇવરોનું શું થશે? તેમના આ નિવેદનથી સમગ્ર યુનિવર્સિટી કેમ્‍પસ યુવાનોના તાલીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્‍યું હતું.

પોતાના ભાષણમાં ભૂતકાળની સરકારી ધીમી નીતિઓ પર આકરા પ્રહારો કરતા પીએમ મોદીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની સફરનો ચિતાર આપ્‍યો હતો. તેમણે જણાવ્‍યું કે આ મહત્‍વકાંક્ષી કોરિડોરનો વિચાર વર્ષ ૨૦૦૪માં આવ્‍યો હતો અને ૨૦૦૬માં તેના માટે એક કંપની પણ બનાવાઈ હતી, પરંતુ ૨૦૧૪ સુધી ફાઈલો માત્ર એક ટેબલથી બીજા ટેબલ પર રઝળતી રહી. જે યુવાનો આજે આ સભામાં બેઠા છે તેમાંથી ઘણાનો તો ત્‍યારે જન્‍મ પણ નહોતો થયો. ૨૦૧૪માં સરકારે સુકાન સંભાળ્‍યા બાદ આ કામને રોકેટ ગતિ આપીને ૨૦૦૦ કિલોમીટરથી વધુનો ફ્રેટ કોરિડોર પૂર્ણ કર્યો, જે આજે બદલાતા ભારતની લાઇફલાઇન બની ચૂકયો છે.

વડોદરા શહેરની સ્‍વચ્‍છતા અને નાગરિકોના ઉત્‍સાહના વખાણ કરતા વડાપ્રધાને જણાવ્‍યું કે, ગણેશોત્‍સવના આ પવિત્ર તહેવાર પહેલા વડોદરાવાસીઓએ જે રીતે સ્‍વચ્‍છતા અભિયાન ચલાવ્‍યું છે તે જોઈને તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. તેમણે ગતિશક્‍તિ યુનિવર્સિટી ધરાવતા વડોદરાને દેશના લોજિસ્‍ટિક્‍સ અને ટ્રાન્‍સપોર્ટ ક્ષેત્રનું હૃદય ગણાવ્‍યું હતું. પીએમ મોદીએ ઉમેર્યું કે ૨૧મી સદીના વિકસિત ભારતના નિર્માણ માટે સમય સાથે તાલ મિલાવતી ઝડપી અને સરળ કનેક્‍ટિવિટી અત્‍યંત જરૂરી છે, જે લક્ષ્ય તરફ દેશ આજે મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે.

આ કાર્યક્રમમાં રાજ્‍યપાલ, મુખ્‍યમંત્રી તેમજ અનેક મહાનુભાવોની સક્રિય ઉપસ્‍થિતિ રહી હતી. યુવાનો વચ્‍ચેથી જ સંબોધન કરતા પીએમ મોદીએ દેશના વિકાસમાં યુવા શક્‍તિની ભાગીદારીને સૌથી મહત્‍વપૂર્ણ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું કે ૨૦૧૪ પછી દેશમાં કામ કરવાની નવી કાર્યસંસ્‍કળતિનો ઉદય થયો છે, જેમાં પ્રોજેક્‍ટ્‍સ અટકાવવાને બદલે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે છે, અને આ જ સકારાત્‍મક બદલાવ ભારતને વિશ્વ સમક્ષ એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે.

પીએમ મોદીની યુવાઓ વચ્‍ચે રેમ્‍પ-વોકથી એન્‍ટ્રી

વડોદરા, તા.૮: દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના એકદિવસીય ગુજરાત પ્રવાસને લઈને રાજ્‍યભરમાં અને ખાસ કરીને સંસ્‍કારી નગરી વડોદરા ખાતે ભારે ઉત્‍સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન પોતાના આ પ્રવાસ દરમિયાન વડોદરા અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રને કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપી હતી.

આ વખતનો વડાપ્રધાનનો પ્રવાસ યુવા નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. વડોદરા ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન 'Gen-Z' એટલે કે નવી પેઢીના યુવાનો સાથે સીધો સંવાદ કરેલ. કાર્યક્રમ સ્‍થળે વડાપ્રધાન માટે ખાસ વાય-રેમ્‍પ તૈયાર કરવામાં આવ્‍યો છે, જ્‍યાં તેઓ રેમ્‍પ વોક કરીને યુવાનોની વચ્‍ચે પહોંચેલ અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરેલ

(3:10 PM IST)