તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Sunday, 10th May 2026
વિનાશ પર વિકાસની રેખા અંકિત કરતું સોમનાથનું ભવ્ય પ્રદર્શન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મંદિરના પુનઃ નિર્માણની ઐતિહાસિક યશોગાથા નિહાળશે
સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પૌરાણિક યુગથી આધુનિક જીર્ણોદ્ધાર સુધીની યાત્રાનું ડિજિટલ નિરૂપણ : સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અને મંદિરના અલભ્ય દસ્તાવેજોનું ફોટોગ્રાફ્સ સાથે પ્રદર્શન

સોમનાથ : પ્રભાસ પાટણ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ પુનઃ નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘અમૃત પર્વ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરે મંદિર પરિસરમાં વિનાશ પર વિકાસની રૂપરેખાને અંકિત કરતું એક વિશેષ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્રદર્શનની મુલાકાત લઈને પૌરાણિક કાળથી લઈને વર્તમાન આધુનિક મંદિર સુધીની સંઘર્ષ અને નિર્માણની ગાથાને નિહાળશે.
આ પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશાળ એલઈડી સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડ શોના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ રજૂ કરવામાં આવ્યું છે. પૌરાણિક ગ્રંથ શિવ મહાપુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા આ પવિત્ર જ્યોતિર્લિંગનો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં જે ઇતિહાસ રહ્યો છે, તેની સંપૂર્ણ વિગતો અહીં ડિજિટલ સ્વરૂપે જોવા મળશે. વિદેશી આક્રમણકારો દ્વારા મંદિરને થયેલા નુકસાન સામે વીર હમિરાજી ગોહિલ, કાન્હાદેવ, રાજા ભોજ અને ભીમદેવ સોલંકીએ મંદિરની સુરક્ષા અને નિર્માણ માટે જે અપ્રતિમ શૌર્ય દાખવ્યું હતું, તેનું પણ અહીં સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સોમનાથ મંદિરના આધુનિક જીર્ણોદ્ધારમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અવિસ્મરણીય યોગદાન છે. સરદાર પટેલે લીધેલો પુનઃ નિર્માણનો સંકલ્પ, તે સમયની પ્રક્રિયાના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મંદિર પુનઃસ્થાપન વેળાના અલભ્ય ફોટોગ્રાફ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથના દરિયાકિનારેથી વિશ્વને જે સંદેશ આપ્યો હતો કે, ‘વિકસિત ભારતના નિર્માણના મૂળમાં આપણી આધ્યાત્મિક શક્તિ સર્વ શક્તિમાન છે’, તેનું પણ આ પ્રદર્શનમાં વિશેષ રીતે આલેખન કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરની ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક યશોગાથાને જીવંત કરતું આ પ્રદર્શન આગામી દિવસોમાં દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રદર્શન દ્વારા નવી પેઢીને સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અને વિનાશ સામે થયેલા ભવ્ય વિકાસની ગાથાની જાણકારી પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત સોમનાથના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય તરીકે અંકિત થશે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
