તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
નેતા સંસદના ચોમાસુ સત્રમાં શિક્ષણમાં જવાબદારીનો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે તો સોનમ વાંગચુક આવતીકાલે અનશન ખતમ કરવા તૈયાર - જંતર-મંતર ખાતે વાંગચુક ના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કરી મોટી જાહેરાત
૨૦ જુલાઈના 'સંસદ ચલો માર્ચ' પૂર્વે સોનમ વાંગચુકના પ્રતિનિધિત્વની તૈયારી દર્શાવતા શ્રીમતી ગીતાંજલિ આંગ્મો : સમર્થકોને સંપૂર્ણ શાંતિ જાળવવા અપીલ, જ્યારે કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ પોલીસ એક્શનની આશંકા વચ્ચે લોકોને એકઠા થવા હાકલ કરી

નવી દિલ્હી : દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા આંદોલન વચ્ચે શિક્ષણવિદ્દ સોનમ વાંગચુકની ભૂખહડતાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારની સાંજે સોનમ વાંગચુકના પત્ની શ્રીમતી ગીતાંજલિ આંગ્મો તેમના પતિનો ખાસ સંદેશો લઈને જંતર-મંતર ખાતે એકઠા થયેલા સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક આવતીકાલે સોમવારે પોતાના ઉપવાસ અને ભૂખહડતાલ સત્તાવાર રીતે સમેટી લેવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે તેમણે એક મુખ્ય શરત મૂકી છે. જો વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સંસદના આગામી ચોમાસુ સત્રમાં શિક્ષણ પ્રણાલીમાં જવાબદારી નક્કી કરતો મુદ્દો ઉઠાવવાનું લેખિત કે મૌખિક આશ્વાસન આપે અને આવતીકાલે હોસ્પિટલમાં રૂબરૂ જઈને સોનમ વાંગચુકને ભરોસો અપાવે, તો તેઓ આ આંદોલન સમેટી લેશે.
દિલ્હી હાઈકોર્ટે પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની શ્રીમતી ગીતાંજલિની અરજી ફગાવી દીધી:
આ પૂર્વે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા શ્રીમતી ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય હાલ બિલકુલ બરાબર છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એક તાકીદની અરજી દાખલ કરીને સોનમ વાંગચુકને સરકારી હોસ્પિટલમાંથી મેદાંતા જેવી ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પરવાનગી માંગી હતી. જો કોર્ટે આજે જ મંજૂરી આપી હોત તો તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવીને આવતીકાલે સવારે જંતર-મંતર પહોંચી ગયા હોત. જો કે, દિલ્હી હાઈકોર્ટે આ અરજીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે સફદરજંગ હોસ્પિટલના તબીબો સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત અને યોગ્ય દેખરેખ રાખી રહ્યા છે અને તેમની સાથે ત્યાં કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરવામાં આવી રહી નથી.
શાંતિપૂર્ણ માર્ચ યોજવા અને વિરોધીઓના જાળમાં ન ફસાવવા વિદ્યાર્થીઓ-વાલીઓને આગાહ કરાયા:
આવતીકાલે ૨૦ જુલાઈના રોજ યોજાનારા 'સંસદ ચાલો માર્ચ' અંગે સમર્થકોને સાવચેત કરતા શ્રીમતી ગીતાંજલિ આંગ્મોએ કહ્યું હતું કે, તેઓ આવતીકાલની રેલીમાં સોનમ વાંગચુકનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. તેમણે માર્ચમાં જોડાનારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને બે બાબતોનું ચુસ્ત પાલન કરવા ખાસ અનુરોધ કર્યો છે. પ્રથમ એ કે આ સમગ્ર કૂચ અને વિરોધ પ્રદર્શન બિલકુલ શાંતિપૂર્ણ રીતે આયોજિત થવું જોઈએ અને બીજું એ કે આ કાર્યક્રમમાં અડચણ ઊભી કરનારા કે તેને ભિન્ન રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોથી સચેત રહેવું પડશે જેથી કોઈ પણ સમર્થક તેમના બિછાવેલા જાળમાં ફસાઈ ન જાય.
કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ પોલીસ એક્શનની આશંકા વ્યક્ત કરી:
બીજી તરફ, ૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ પ્રસ્તાવિત આ વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચોમાસુ સત્ર આગામી ૧૩ ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ સ્થિતિ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (કોજપા) ના સંસ્થાપક અભિજીત દીપકેએ રવિવારે પોતાના તમામ સમર્થકોને મોટી સંખ્યામાં જંતર-મંતર ખાતે એકઠા થવા માટે ખુલ્લી અપીલ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ૨૦ જુલાઈના સંસદ માર્ચ પૂર્વે દિલ્હી પોલીસ આ પ્રદર્શન સ્થળને બળપૂર્વક ખાલી કરાવવાની કોશિશ કરી શકે છે અને સમર્થકો પર પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. આ આહવાનના પગલે શનિવાર રાતથી જ અને રવિવારની સવાર સુધી મોટી સંખ્યામાં લોકો અને સમર્થકો રાતભર ધામા નાખવા માટે જંતર-મંતર ખાતે પહોંચવાનું સતત ચાલુ રહ્યું છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
