News of Thursday, 22nd October 2026
પ્રકાશક સાથેના વિવાદ બાદ સોનિયા ગાંધીના બહુપ્રતિક્ષિત સંસ્મરણ ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ ની પ્રથમ ઝલક જાહેર: ૧૦ નવેમ્બરે માર્કેટમાં આવશે પુસ્તક
ઇટાલીના બાળપણથી લઈને ભારતીય રાજકારણના શીર્ષ સ્થાને પહોંચવા અને વડાપ્રધાન પદનો ઇનકાર કરવા સુધીની અંગત તેમજ રાજકીય સફરના અણકહ્યા પાસાઓ પરથી ઉઠશે પડદો.

નવી દિલ્હી, તા.22: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સીપીપી (CPP) ચેરપર્સન સોનિયા ગાંધીએ ગુરુવારે તેમના બહુપ્રતિક્ષિત સંસ્મરણ ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ (Belonging: A Journey of Love) ની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પુસ્તકના પ્રકાશનને લઈને સંપાદકીય ફેરફારોના પ્રસ્તાવને કારણે લાંબા સમયથી ભારે વિવાદ સર્જાયો હતો, પરંતુ હવે આ પુસ્તક આગામી ૧૦ નવેમ્બરે અધિકૃત રીતે બજારમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર આ પુસ્તકની પ્રથમ ઝલક શેર કરતા સોનિયા ગાંધીએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ પુસ્તક પ્રેમ, કર્તવ્ય, વિયોગ અને અજાણ્યા દેશમાં પોતાનું ઘર અને ઓળખ શોધવાની એક અત્યંત અંગત વાર્તા છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થઈ રહેલા આ સંસ્મરણોમાં ૧૯૬૫માં કેમ્બ્રિજ ખાતે રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાત, ૧૯૬૮માં ભારત આગમન, અને સાસુ ઇન્દિરા ગાંધી સાથેના સંબંધોની સફર આલેખવામાં આવી છે.
આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના જીવનને મૂળમાંથી હચમચાવી મુકનારી દુઃખદ ઘટનાઓ જેમ કે ૧૯૮૦માં સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન, ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા અને ૧૯૯૧માં રાજીવ ગાંધીની કરુણ હત્યા વિશે ખુલ્લેઆમ લખ્યું છે. આ નુકસાન અને દુઃખે કેવી રીતે તેમને અનિચ્છા હોવા છતાં રાજકારણમાં પ્રવેશવા મજબૂર કર્યા, ભારતમાં જ રહેવાનો નિર્ણય, કોંગ્રેસનું નેતૃત્વ અને ૨૦૦૪માં વડાપ્રધાન પદનો ત્યાગ કરવાના નિર્ણયોની પણ તેમાં વિગતે ચર્ચા છે.
વ્યક્તિગત કથા ઉપરાંત, આ સંસ્મરણો છેલ્લા છ દાયકાના ભારતીય રાજકારણનો અંદરનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તેમાં UPA સરકારની રચના, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સાથેના તેમના કાર્યકારી સંબંધો અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલા સંવાદોના અનુભવો પણ આવરી લેવાયા છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં આ પુસ્તકને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, અગાઉ 'પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા' દ્વારા આ પુસ્તક પ્રકાશિત થવાનું હતું, પરંતુ હસ્તપ્રતમાં નરેન્દ્ર મોદી, આરએસએસ (RSS), સાંપ્રદાયિક તણાવ અને ભારત-ચીન સંબંધો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સૂચિત ફેરફારોને લઈને મતભેદો સર્જાતા તેઓ ખસી ગયા હતા. કોંગ્રેસના આક્ષેપો અને પ્રકાશકના ફેક્ટ-ચેકિંગના દાવાઓ વચ્ચે આખરે સપ્ટેમ્બર મહિનામાં 'હાર્પર કોલિન્સ'ને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો.
આ પુસ્તક સોનિયા ગાંધીના અત્યાર સુધીના ખાનગી રાખેલા અનુભવોને જાહેરમાં લાવવાની તક પૂરી પાડે છે. ઇટાલીના શરૂઆતના વર્ષોથી લઈને ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય વ્યક્તિત્વ તરીકેના તેમના ઉદયની આ ગાથા વાંચવા માટે સમગ્ર દેશના રાજકીય અને સાહિત્યિક ક્ષેત્રના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
