News of Monday, 21st September 2026
સોનિયા ગાંધીના મતદાર યાદી વિવાદમાં આવ્યો નવો મોટો વળાંક: સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટનો જૂનો હુકમ કર્યો રદ, નવી સુનાવણીનો આપ્યો સ્પષ્ટ નિર્દેશ
નાગરિકતા અંગે મેજિસ્ટ્રેટ કોર્ટની ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી અરજી સ્વીકારી: ૨૯ સપ્ટેમ્બરના રોજ અદાલતમાં હાથ ધરાશે મહત્વની સુનાવણી

નવી દિલ્હી, તા.૨૧: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના મતદાર યાદીમાં નામ નોંધણી સંબંધિત ચકચારી વિવાદમાં એક નવો અને અત્યંત મહત્વપૂર્ણ કાનૂની મોડ આવ્યો છે. નવી દિલ્હીની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના એ જૂના આદેશને રદ કરી દીધો છે, જેમાં સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પિટિશનરની પુનઃનિરીક્ષણ (રિવિઝન) અરજીને સ્વીકારી લીધી છે અને નીચલી કોર્ટને સ્પષ્ટ અને કારણસરના આદેશ સાથે કેસની નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ ફરિયાદને અનવેરિફાઇડ દસ્તાવેજોના આધારે ફગાવી દેવામાં આવી હતી. જોકે, વિશેષ ન્યાયાધીશે આ રિવિઝન અરજી સ્વીકારતી વખતે સેશન્સ કોર્ટમાં અવલોકન કર્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલા વિવાદાસ્પદ આદેશમાં એ બાબતના સ્પષ્ટ કારણો દર્શાવવામાં આવ્યા નહોતા કે કેસમાં કોઈ સંજ્ઞેય (કોગ્નિઝેબલ) ગુનો બને છે કે નહીં. આથી મેજિસ્ટ્રેટ કોર્ટનો જૂનો આદેશ સંપૂર્ણપણે રદ કરવાને પાત્ર ઠરે છે.
મેજિસ્ટ્રેટ કોર્ટની ટિપ્પણીઓ પર સેશન્સ કોર્ટનો વાંધો
સેશન્સ કોર્ટે ચુકાદો આપતાં વધુમાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીની નાગરિકતા સંબંધિત મુદ્દાઓ અને અધિકારક્ષેત્ર અંગે કેન્દ્ર સરકાર તથા ભારતીય ચૂંટણી પંચ (ECI) સંદર્ભે મેજિસ્ટ્રેટ કોર્ટે કરેલી ટિપ્પણીઓ અયોગ્ય હતી. કોર્ટે સમગ્ર મામલાને નવી સુનાવણી માટે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પરત મોકલી આપ્યો છે. આ બહુચર્ચિત કેસની આગામી સુનાવણી હવે ૨૯ સપ્ટેમ્બરના રોજ સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેના પર દેશભરના રાજકીય અને કાનૂની વર્તુળોની નજર રહેશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
