<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સાઉથ સિનેમાનો નવો ધમાકો: સૂર્યા અને ત્રિશાની 'કરુપ્પુ' ફિલ્મે ૩ જ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો; તમિલનાડુના સીએમ વિજયે આપી ખાસ બધાઈ!

બોલીવુડની ફિલ્મો સાથેની જોરદાર ટક્કર અને રિલીઝના વિવાદો વચ્ચે પણ વૈશ્વિક સ્તરે ૧૪૧ કરોડથી વધુની કમાણી; અફવાઓથી ઘેરાયેલી ત્રિશાની ટીમને મુખ્યમંત્રીએ રૂબરૂ પાઠવ્યા અભિનંદન

 

ચેન્નઈ, તા.૧૯: દક્ષિણ ભારતીય સિનેમા (South Cinema) નો દબદબો બોક્સ ઓફિસ પર સતત વધી રહ્યો છે. તમિલ સુપરસ્ટાર સૂર્યા અને લોકપ્રિય અભિનેત્રી ત્રિશા કૃષ્ણનની તાજેતરમાં રિલીઝ થયેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કરુપ્પુ' (Karuppu) એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગત ૧૫ મેના રોજ સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં વૈશ્વિક સ્તરે ૧૦૦ કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરીને ટ્રેડ એનાલિટ્સને ચોંકાવી દીધા છે. આ ભવ્ય સફળતા પર તમિલનાડુના માનનીય મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ફિલ્મની આખી ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રી વિજયે 'કરુપ્પુ' ના નિર્માતા એસ.આર. પ્રભુને રૂબરૂ શુભેચ્છાઓ મોકલી છે. ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી સાથેની તસવીર શેર કરીને તેમનો આભાર માનતા લખ્યું કે, "તમિલનાડુના માનનીય મુખ્યમંત્રી થિરુ. જોસેફ વિજયે અમારી ફિલ્મને જે સમર્થન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે, તેનાથી અમારી આખી ટીમ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહી છે." અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય અને અભિનેત્રી ત્રિશા વચ્ચેના કથિત સંબંધોની અફવાઓ અવારનવાર મીડિયામાં ચર્ચાતી રહે છે, તેવામાં સીએમ દ્વારા આ ફિલ્મને ખુલ્લું સમર્થન મળતાં આ બાબત રાજકીય અને સિનેમા જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

બોલીવુડની ફિલ્મો સામે જબરદસ્ત ટક્કર

'કરુપ્પુ' ફિલ્મની આ કમાણી એટલે અદ્ભુત માનવામાં આવે છે કારણ કે બોક્સ ઓફિસ પર તેની ટક્કર હિન્દી સિનેમાની બે મોટી ફિલ્મો - આયુષ્માન ખુરાનાની 'પતિ પત્ની ઔર વો ૨' અને સંજય દત્ત સ્ટારર 'આખરી સવાલ' સામે હતી. આ મજબૂત સ્પર્ધા હોવા છતાં, પ્રવાસીઓ અને સિનેપ્રેમીઓએ સૂર્યાની એક્શન અને ત્રિશાના અભિનયને માથે ઊંચકી લીધો છે. જો કે, આ ફિલ્મ મૂળ ૧૪ મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક આર્થિક વિવાદો અને નાણાકીય સમસ્યાઓના કારણે તેને એક દિવસ પાછી ઠેલવવામાં આવી હતી અને આખરે તે ૧૫ મે ના રોજ થિયેટરોમાં પ્રદર્શિત થઈ હતી.

બોક્સ ઓફિસ કલેક્શનના લેટેસ્ટ આંકડા

પ્રખ્યાત બોક્સ ઓફિસ ટ્રેકર સૅકનિલ્ક (Sacnilk) ના અહેવાલ મુજબ, 'કરુપ્પુ' એ ભારતમાં અત્યાર સુધીમાં કુલ ₹૯૫.૩૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે, જેમાંથી નેટ કમાણી ₹૮૨.૩૦ કરોડ નોંધાઈ છે. વિદેશી બજારોમાં પણ ફિલ્મનો સિક્કો ચાલ્યો છે અને ચોથા દિવસે ₹૪ કરોડના બિઝનેસ સાથે ઓવરસીઝ કલેક્શન ₹૪૬ કરોડ પર પહોંચ્યું છે. આ સાથે ફિલ્મની અત્યાર સુધીની કુલ વૈશ્વિક કમાણી (Worldwide Collection) ₹૧૪૧.૩૦ કરોડના પ્રભાવશાળી આંકડાને સ્પર્શી ગઈ છે. વિકડેઝ (અઠવાડિયાના કામકાજના દિવસો) શરૂ થતાં કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, થિયેટરોમાં હજુ પણ પબ્લિકની ભારે ભીડ જોવા મળી રહી છે.

(3:42 PM IST)