<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ સામે દક્ષિણ કોરિયા ધર્મસંકટમાં: હોર્મુઝની ખાડીમાં લશ્કરી યોગદાન આપવા વિચારણા, પણ સિઓલે કહ્યું— 'હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી'

વોશિંગ્ટન અને સિઓલ વચ્ચે ટેન્શન વધ્યું: યુએસ રાષ્ટ્રપતિની આકરા શબ્દોમાં ટીકા બાદ કોરિયા નૌકાદળ, વિમાન અને માઇન-ડિટેક્શન તૈનાતીના વિકલ્પો ચકાસવા મજબૂર; પાર્લામેન્ટની મંજૂરી જરૂરી

 

 

સિઓલ, તા.૦૪: ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્ય પૂર્વમાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે દક્ષિણ કોરિયા એક મોટી મુત્સદ્દી અને રાજદ્વારી મૂંઝવણમાં ફસાયું છે. ઈરાન નજીક આવેલા અને અત્યંત વ્યૂહાત્મક ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (હોર્મુઝની ખાડી) માં જહાજોની સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દક્ષિણ કોરિયા પર લશ્કરી મદદ મોકલવા ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પના આ ચક્રવ્યૂહ વચ્ચે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં વ્યવહારુ રીતે મદદ કરવાના વિકલ્પો ચકાસી રહ્યા છે, પરંતુ સૈનિકો કે યુદ્ધ જહાજો તૈનાત કરવાનો હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

રોઇટર્સ અને દક્ષિણ કોરિયાના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સિઓલ લશ્કરી મદદ માટે તૈયાર થશે તો તે સીધા યુદ્ધમાં ઉતરવાને બદલે માત્ર દરિયાઈ સુરક્ષા અને લોજિસ્ટિક્સ ટેકો પૂરો પાડશે. તેના માટે નૌકાદળનું લોજિસ્ટિક્સ સપોર્ટ જહાજ, P-8A મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને સમુદ્રી માઇન શોધી કાઢતી ટીમ તૈનાત કરવા જેવા વિકલ્પો પર ગંભીર વિચારણા ચાલી રહી છે. પરંતુ દક્ષિણ કોરિયાએ લશ્કરી જમાવટ પહેલાથી જ મંજૂર થઈ ગઈ હોવાના અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને ઉમેર્યું છે કે કોઈપણ સૈન્ય તૈનાતી માટે તેમની રાષ્ટ્રીય સભા (સંસદ) ની મંજૂરી લેવી અનિવાર્ય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં દક્ષિણ કોરિયાની ટીકા કરતા કહ્યું હતું કે ઈરાન સંઘર્ષ મુદ્દે સિઓલ તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી, જેના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ આવી છે. બીજી તરફ દક્ષિણ કોરિયા માટે આ માત્ર સૈન્ય જ નહીં પરંતુ ઊર્જા સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન છે, કારણ કે તેના ક્રૂડ ઓઈલ અને ઊર્જા પુરવઠાનો મોટો હિસ્સો આ જ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. તેથી, સિઓલ પોતાની ઉત્તર કોરિયા સામેની સંરક્ષણ તૈયારીઓ જોખમાય નહીં તે રીતે મર્યાદિત સહયોગ આપવાનો વચ્ચેનો માર્ગ શોધી રહ્યું છે.

(4:56 PM IST)