તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
રશિયામાં સંરક્ષણ મંત્રાલયનું સોવિયેત યુગનું Tu-154 સૈન્ય વિમાન ટેકઓફ બાદ ક્રેશ : 6 લોકોના કરુણ મોત
વિમાન પટકાતાં ફ્યુઅલ ટેન્કમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે સવાર 7 પૈકી 6 લોકોના મોત:એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ :રશિયન સૈન્ય દ્વારા આ ભયાનક અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

રશિયાના દૂર પૂર્વીય અમુર વિસ્તારમાં સંરક્ષણ મંત્રાલયનું એક સૈન્ય વિમાન ટેકઓફ થયા બાદ ક્રેશ થતાં મોટી હોનારત સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 7 પૈકી 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર ઘાયલ છે. જમીન સાથે અથડાતાં જ વિમાનની ફ્યુઅલ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
રશિયન ન્યૂઝ એજન્સી 'ઇન્ટરફેક્સ' દ્વારા સંરક્ષણ મંત્રાલયના હવાલાથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દુર્ઘટના અમુર ક્ષેત્રના મઝાનોવસ્કી જિલ્લામાં આવેલા ક્રાસ્નોયારોવો ગામ પાસે બની હતી. સૈન્ય વિમાને નિયમિત કામગીરી હેઠળ ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ કર્યાના ક્ષણો બાદ જ ટેકનિકલ ખામી સર્જાતાં તે ઝડપથી નીચે પટકાયું હતું.
વિમાન ક્રેશ થતાં જ સ્થાનિક પ્રશાસન અને ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો ફૂટેજમાં વિમાનનો કાટમાળ ધૂ-ધૂ કરીને બળતો જોવા મળ્યો હતો, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.
સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અહેવાલો મુજબ વિમાનમાં કુલ 7 સૈન્ય કર્મચારીઓ સવાર હતા. જમીન પર જોરદાર પછડાટ ખાધા બાદ વિમાનની મુખ્ય ફ્યુઅલ ટેન્ક ફાટી નીકળી હતી, જેને કારણે આખા કાટમાળમાં વિકરાળ આગ લાગી ગઈ હતી..
પ્રાથમિક તપાસ મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન સોવિયેત યુગનું સુપ્રસિદ્ધ ટૂપોલેવ Tu-154 (Tupolev Tu-154) હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણ એન્જિનવાળું નેરો-બોડી જેટ વિમાન છે, જેણે પોતાની પ્રથમ સત્તાવાર ઉડાન વર્ષ 1968 માં ભરી હતી અને 1970 ના દાયકાની શરૂઆતમાં વ્યાવસાયિક સેવામાં પ્રવેશ્યું હતું.
સોવિયેત યુનિયનના સમયગાળા દરમિયાન આ વિમાન સૌથી વધુ ભરોસાપાત્ર અને લોકપ્રિય માનવામાં આવતું હતું, જેના 1000 થી વધુ યુનિટ્સ બનાવવામાં આવ્યા હતા. જોકે વર્ષો વીતતાં કોમર્શિયલ એરલાઇન્સે તેને રિટાયર કર્યું હતું, પરંતુ રશિયન વાયુસેના અને સંરક્ષણ એજન્સીઓ (જેમ કે 223મી ફ્લાઇટ સ્ક્વોડ્રન) હજુ પણ વિશિષ્ટ સૈન્ય મિશન માટે તેના અપગ્રેડેડ વર્ઝનનો ઉપયોગ કરે છે.
આ અકસ્માતે ડિસેમ્બર 2016 ની એ કાળી દુર્ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે, જ્યારે સોચીથી ઉડાન ભર્યા બાદ સંરક્ષણ મંત્રાલયનું Tu-154 વિમાન કાળા સમુદ્રમાં તૂટી પડ્યું હતું. તે હોનારતમાં રશિયન સૈન્યના પ્રખ્યાત એલેક્ઝાન્ડ્રોવ મ્યુઝિકલ બેન્ડના કલાકારો અને પત્રકારો સહિત તમામ 92 લોકો માર્યા ગયા હતા.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
