તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
૨૦૧૭ની ફોર્મ્યુલા પર યુપી ચૂંટણીમાં ભાજપ સામે સપા-કોંગ્રેસ ગઠબંધનની તૈયારી: ૧૦૫ થી ૧૧૫ બેઠકો પર કડક દાવ
ઉત્તર પ્રદેશમાં બેઠક વહેંચણી મુદ્દે મોટો સુમેળ: અખિલેશ-રાહુલ ગાંધીના સંકલનથી મહાગઠબંધન મજબૂત કરવાનો વ્યુહ: સોનિયા ગાંધી સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગેના સમીકરણો સ્પષ્ટ થઈ રહ્યા છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે ૨૦૧૭ની ચૂંટણી ફોર્મ્યુલાના આધારે જ ચૂંટણી લડવા પર સર્વસંમતી સાધવામાં આવી રહી છે. કોંગ્રેસે રાજ્યમાં પોતાની સંગઠનાત્મક તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે અને આગામી દિવસોમાં કયા પક્ષના ઉમેદવારો કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
મળતી વિગતો અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે ઉત્તર પ્રદેશ પ્રદેશ પ્રમુખ અજય રાય, રાજ્ય પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ અને કેન્દ્રીય નિરીક્ષકોની યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગઠબંધનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આ ચૂંટણી સમાજવાદી પાર્ટી સાથે પૂર્ણ સંકલન જાળવીને લડવામાં આવશે. સામે પક્ષે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ પોતાના કાર્યકરોને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનો સ્પષ્ટ આદેશ આપી દીધો છે, જેથી બેઠકોની વહેંચણીમાં કોઈ મોટો વિવાદ ઊભો થાય નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૧૪ બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં ૧૦૫ બેઠકો પર કોંગ્રેસના પોતાના ઉમેદવારો હતા અને ૯ બેઠકો પર સપાના ઉમેદવારો કોંગ્રેસના પ્રતીક પર ચૂંટણી લડ્યા હતા. આ વખતે પણ કોંગ્રેસને ૧૦૫ થી ૧૧૫ બેઠકો મળવાની ધારણા છે. જો કોઈ બેઠક પર સપાનો ઉમેદવાર વધુ મજબૂત હશે તો તેને પણ કોંગ્રેસના ચૂંટણી પ્રતીક પર ઉતારવામાં આવી શકે છે. જોકે, કોંગ્રેસે આંતરિક સર્વે કરાવ્યા બાદ રાજ્યની ૧૫૦ એવી બેઠકોની ઓળખ કરી છે જ્યાં તેનો પ્રભાવ અને ઉમેદવારો મજબૂત છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સ્થાનિક સ્તરે બેઠકો અંગે ગમે તેવા દાવા થતા હોય, પરંતુ સપાનું હાઈકમાન્ડ પણ એ વાત સ્વીકારે છે કે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા જનહિતના મુદ્દાઓને કારણે ભાજપ વિરોધી મતદારોમાં તેમનો પ્રભાવ વધ્યો છે. બિહાર મહાગઠબંધનમાં અંદરોઅંદરના મતભેદોના કારણે થયેલા નુકસાનમાંથી પાઠ ભણીને સપા અને કોંગ્રેસ બંને પક્ષો આ વખતે વધુ મજબૂત સંકલન અને પરસ્પર સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
