<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ટાટા સન્સના લિસ્ટિંગ અને નેતૃત્વ પરિવર્તનને લઈને S&P ગ્લોબલનો મોટો દાવો: ટાટા જૂથની નાણાકીય વ્યૂહરચનામાં આવી શકે છે મોટો ફેરફાર; રેટિંગ પર શું થશે અસર?

ટાટા સન્સના પબ્લિક લિસ્ટિંગથી શેરધારકોની ચકાસણી વધશે અને ક્રેડિટ ફાળવણી પર દબાણ આવી શકે છે: ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ટાટા પાવર જેવી મજબૂત કંપનીઓના ભવિષ્યના ગ્રોથ પ્લાન પર નજર

નવી દિલ્હી, તા.29: દેશના સૌથી વિશાળ અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ઘરાના 'ટાટા ગ્રુપ' ની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ (Tata Sons) ના સંભવિત સ્ટોક માર્કેટ લિસ્ટિંગ અને નેતૃત્વમાં થનારા સંભવિત ફેરફારોને લઈને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે એક મહત્વપૂર્ણ અહેવાલ આપ્યો છે. S&P ના જણાવ્યા મુજબ, આ ઘટનાક્રમથી ટાટા ગ્રુપની કંપનીઓના વર્તમાન રેટિંગ પર તાત્કાલિક કોઈ નકારાત્મક અસર નહીં પડે, પરંતુ લાંબા ગાળે જૂથની નાણાકીય નીતિઓ, મૂડી ફાળવણી અને અન્ય કંપનીઓને મળતા સપોર્ટનું માળખું બદલાઈ શકે છે.

તાત્કાલિક રેટિંગ્સ પર કોઈ ખતરો નહીં

S&P ગ્લોબલ રેટિંગ્સે સ્પષ્ટ કર્યું છે કે ટાટા ગ્રુપનો લાંબો અને રૂઢિચુસ્ત વહીવટી ઇતિહાસ ધરાવતો રેકોર્ડ જોતાં, જૂથની નાણાકીય નીતિઓમાં ફેરફારો ખૂબ જ ધીમે-ધીમે અને તબક્કાવાર રીતે થશે. રેટિંગ એજન્સી હાલમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, ટાટા પાવર, ટાટા પાવર રિન્યુએબલ એનર્જી, ટાટા કેપિટલ અને જગુઆર લેન્ડ રોવર (JLR) જેવી જાણીતી કંપનીઓને ક્રેડિટ રેટિંગ આપે છે. આ તમામ કંપનીઓ ટાટા સન્સ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પબ્લિક લિસ્ટિંગથી ચકાસણી અને નાણાકીય શિસ્ત વધશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા મુજબ, અપર-લેયર નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) તરીકે ટાટા સન્સ માટે શેરબજારમાં લિસ્ટેડ થવું કાનૂની રીતે જરૂરી બને છે. S&P મુજબ, જો કંપની લિસ્ટેડ થશે તો જાહેર શેરધારકો (Public Shareholders) અને રોકાણકારો તરફથી મૂડી રોકાણ અને જૂથની અન્ય કંપનીઓને અપાતી નાણાકીય મદદ પર વધુ ચકાસણી (Scrutiny) થશે. આનાથી શેરધારકોના વળતર, રોકાણ પર વ્યાજ અને મૂડી શિસ્ત પર વધુ ભાર મૂકાશે.

નેતૃત્વ અને વિસ્તરણ યોજનાઓ પર અસર

હાલમાં ટાટા સ્ટીલ, ટાટા પાવર અને ટાટા કેપિટલ જેવી કંપનીઓ પોતાના મોટા વિસ્તરણ અને ગ્રોથ પ્લાન પર કામ કરી રહી છે, જ્યારે જેએલઆર (JLR) ઇલેક્ટ્રિક વાહનોના સંક્રમણના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એસ એન્ડ પી એ ચેતવણી પણ આપી છે કે જો નેતૃત્વમાં ફેરફાર થાય અથવા ટાટા સન્સના નિયંત્રણકારી માળખા પર કોઈ પ્રશ્ન ઊભો થાય, તો ટાટા સન્સ દ્વારા જૂથ કંપનીઓને અપાતા નાણાકીય ટેકાના મૂલ્યાંકનમાં ફેરફાર થઈ શકે છે, જે ભવિષ્યમાં વ્યક્તિગત કંપનીઓના રેટિંગ પર અસર કરી શકે છે.

(5:57 PM IST)